મહુધાના વડથલ પાસેની કેનાલમાંથી આજે બુધવારે સવારના સમયે કઠલાલના પ્રેમી પંખીડાના મૃતદેહો કેનાલના પાણીમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મહુધા પોલીસ દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
મહુધા તાલુકાના વડથલ-ફલોલી કેનાલમાં આજે સવારે યુવક અને યુવતીના મૃતદેહો કમરના ભાગે દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ મહુધા પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદ મેળવી બંન્નેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
ઓળખ છતી કરતા મૃતક યુવાન કઠલાલ ખાતે રહેતો નરેશભાઈ ગેલાભાઈ પરમાર (ઉ. વ. 30) અને મંગુબેન દશરથભાઈ પરમાર (ઉ. વ. 28) હોવાનું ખુલવા પામ્યું હતું. પ્રેમી પંખીડાની લાશો કેનાલમાંથી મળ્યાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતાં બંન્નેનો પરિવાર કેનાલ ઉપર આવી પહોંચ્યો હતો.
મહુધા પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંન્ને યુવક-યુવતી ગઈકાલે રાત્રીના સુમારે જ ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ સાથ જીએગે સાથ મરેંગેનો કોલ નીભાવવા માટે તેમણે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલુ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.