અકસ્માત:પિતાના શ્રાદ્ધમાં અમદાવાદથી આણંદ જતાં દંપતિને નડિયાદ પાસે અકસ્માત નડ્યો, મહિલાનું મોત

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર બોલેરો કાર પાછળ છોટાહાથી વાહન ઘૂસી ગયુ
  • અકસ્માતમાં મહિતાનુ મોત, તેના પતિને ગંભીર ઇજાઓ પહોંચી

ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર દિવસેને દિવસે ગંભીર અકસ્માતો બની રહ્યા છે. અમદાવાદના ઓઢવ ખાતે રહેતુ દંપતિ પોતાના પિતાના શ્રાદ્ધમાં મુળ વતન આણંદ જતાં અકસ્માત નડ્યો છે. જેમાં મહિલાને કાળ ભરખી ગયો છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર બોલેરો કાર પાછળ છોટાહાથી વાહન ઘૂસી જતાં છોટાહાથીમાં બેઠેલ પતિ-પત્નીને ઈજાઓ થતાં પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

મુળ આણંદના રહેવાસી અને હાલ અમદાવાદના ઓઢવમાં સ્થાઈ થયેલા જશવિન્દરસિંહ જ્ઞાનસિંહ મહેરા ગતરોજ પોતાની પત્ની વર્ષાબેન સાથે અમદાવાદથી આણંદ મુળ વતન આવી રહ્યા હતા. જશવિન્દરસિંહના પિતાનું શ્રાધ્ધ હોવાથી આ દંપતિ પોતાના મુળ વતન આવી રહ્યું હતું. જશવિન્દરસિંહ અને તેમની પત્ની બન્ને ઓઢવ નજીક અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પરના ટોલનાકાથી આણંદ તરફ જઈ રહેલ છોટાહાથી વાહન (નં. GJ 05 BV 5092)માં બેસી આણંદ આવી રહ્યા હતા. દરમિયાન નડિયાદ પાસે બીલોદરા ગામની સીમમાં ઉપરોક્ત વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટે હંકારી આગળ જતી બોલેરો કારમાં છોટાહાથી વાહનને ઘૂસાડી દીધું હતું.

આથી છોટાહાથીના ડ્રાઇવરની ખાલી સાઈડે બેઠેલા જશવિન્દરસિંહ અને તેમની પત્ની વર્ષાબેનને ઈજાઓ પહોંચી હતી. આ સાથે ચાલકને પણ ઈજાઓ થતાં ત્રણેય વ્યક્તિઓને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વર્ષાબેનને વધુ સારવાર અર્થે અન્ય જગ્યાએ ખસેડ્યાં હતા. આ દરમિયાન વર્ષાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અંગે જશવિન્દરસિંહ મહેરાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત છોટાહાથી વાહનના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...