જામીન અરજી ના મંજૂર:નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડની લેન્ડગ્રેબિંગના ગુનામાં જામીન અરજી કોર્ટે ફગાવી

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુનો નોંધાયા બાદ પોલીસે 111 દિવસ બાદ ભાનુ ભરવાડની ધરપકડ કરી હતી

નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડ સામે લેન્ડગ્રેબિંગના નોંધાયેલા ગુના બાદ પોલીસે 111 દિવસ બાદ તેની ધરપકડ કરી હતી. ભાનું ભરવાડે જામીન પર છૂટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે જામીન અરજી નડિયાદની કોર્ટે ફગાવી દીધી છે.

નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડે બિલોદરા ચોકડી પાસે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ ઉભું કરવા બદલ જિલ્લા કલેક્ટરે ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. જોકે, પોલીસની ધરપકડથી બચવા માટે ભાનુ ભરવાડ નાસતો ફરતો હતો.

બીજી બાજુ બિલોદરા ગામના લોકોએ કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી પોલીસ આ ભાનુ ભરવાડ સામે રહેમ નજર રાખતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જેના પગલે પોલીસે ફરિયાદ દાખલ થયાના 111 દિવસ બાદ તેની ધરપકડ કરાઈ હતી અને તપાસ કર્યા બાદ બિલોદરા જેલમાં ધકેલી દેવાયો હતો.

આ ભાનુ ભરવાડે જામીન પર છૂટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી કોર્ટમાં સરકારી વકીલ યુ.એ.ઢગટ એવી દલીલ કરી હતી કે આરોપીએ બીલોદરા ગામની સીમમાં આવેલ સર્વે નં.222/અ વાળી જમીનમા બનાવેલ શ્યામ બંગલો સોસાયટી અને તેની ઉત્તર બાજુ સર્વે નં.223 વાળી જમીનમા બનાવેલ ગણપતિ મંદિરની દક્ષીણે આવેલા વરંઢા વચ્ચે સરકારી રસ્તો (નાળ) આવેલ છે.

આ સરકારી રસ્તા (નાળ) ઉપર કોઈ પણ જાતની પરવાનગી મેળવ્યા વગર, દુકાનોનુ ગેરકાયદેસર પાકુ બાંધકામ કરી, સરકારી રસ્તો (નાળ) બંધ કરી, રસ્તો પચાવી પાડી, દુકાનો ભાડે આપી, ભાડાની આવક લેતા હતા. આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી આરોપીએ મુકી હતી. જે ગુણદોષ ઉપર નામંજુર કરેલ છે. માટે જામીન અરજી ના મંજૂર થવી જોઈએ. આ તમામ બાબતો ધ્યાનમાં રાખી નડિયાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...