દારૂના વેપલાનો પર્દાફાશ:કઠલાલના વેજલીયા ગામની સીમમાંથી જમીનમાં દાટેલા પીપમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળ્યો

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાંથીં લોખંડની બે પીપમાં દારૂ સંતાડવામાં આવતો હતો
  • કઠલાલ પોલીસે ફરાર થયેલા ત્રણ ઈસમો સામે ગુનો નોંધ્યો

રાજ્યમાં ગતરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તો બીજી બાજુ બુટલેગરો બેફામ બની દારૂનો વેપલો કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં દારૂની રેલમછેલ જામી છે. તાજેતરમાં કઠલાલના ફાગવેલમાંથી વિજીલન્સ પોલીસના દરોડા બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી ઈંગ્લિશ દારૂની બદીઓ પર લગામ લગાવવા પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત કઠલાલ પોલીસે ગતરોજ કઠલાલના કાકરખાડના વેજલીયા સીમમાં આવેલા બે ખેતરોમાંથી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. અહીંયા ખેડેલા ખેતરની અંદર જમીનમાં દાટેલા લોખંડના બે પીપમાંથી રૂપિયા 3 લાખ 49 હજાર 400નો ઈંગ્લિશ દારૂ કબ્જે કરાયો છે. આ દારૂના પ્રકરણમાં ત્રણ ઇસમો ફરાર થઈ ગયા છે જેની સામે પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં કાકરખાડ તાબેના વેજલીયા સીમમાં ખેડેલા ખેતરના શેઢા પર કેટલાક ઈસમો દારૂનો જથ્થો સંતાડી વેપલો કરી રહ્યા હોવાની બાતમી કઠલાલ પોલીસને મળી હતી. આથી પોલીસે ગતરાત્રે ઉપરોક્ત સ્થળે પહોંચી તપાસ આદરતાં ત્રણ ઈસમો શંકાસ્પદ રીતે અહીંયા કઈ પ્રવૃત્તિ કરી રહ્યા જોવા મળ્યા હતા. દુરથી પોલીસને આવતી જોઈ આ ત્રણેય ઈસમો ફરાર થઈ ગયા હતા.

આ ત્રણ પૈકી બે વ્યક્તિઓ પોલીસના ટોર્ચ અજવાળે ચહેરો દેખાતા તેઓની ઓળખ થઈ હતી. જેમાં મહેન્દ્ર ઉર્ફે નાનો ભયો ઘેલસિંહ ડાભી અને દિલીપસિંહ ઉર્ફે મોટો ભયો ઘેલસિંહ ડાભી (બન્ને રહે. વેજલીયા, કાકરખાડ)ને પોલીસે નામથી બુમો પાડી હતી. પરંતુ આ લોકો ફરાર થઈ ગયા હતા.

પહોંચેલી પોલીસે ખેડેલા ખેતરના શેઢા પર તપાસ કરતાં જમીનમાં દાટેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરોએ અહીંયા જમીનમાં એક લોખંડની પીપ (પટારો) બનાવી તેમાં ઈંગ્લિશ દારૂનો સંગ્રહ કરાતો હોવાનું ખુલ્યું હતું.

આ ઉપરાંત આ ખેતરથી થોડે નજીક આવેલ અન્ય એક જગ્યા પરથી પણ આ રીતે જમીનમાં દાટેલા દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતાં અલગ અલગ માર્કાની કુલ બોટલ નંગ 1390 કિંમત રૂપિયા 3 લાખ 49 હજાર 400નો ઈંગ્લિશ દારૂ કબ્જે કરાયો છે. આશરે 6 ફુટની લંબાઈ, સાડા ત્રણ ફુટની પહોળાઈ અને ચાર ફુટ જેટલી ઊંડાઈ વાળા લોખંડના બે પટારામાં દારૂ સંતાડવામાં આવતો હતો. પોલીસે આ અંગે ફરાર થયેલા ત્રણ ઈસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...