તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ગળતેશ્વરના દેરોલી ગામની ગૌચરની જમીનમાંથી બાવળના ઝાડ કાપી ચોરી કરતાં ઈસમ સામે ગુનો નોંધાયો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે ચોરી આચરનાર ઈસમ સામે સેવાલીયા પોલીસમાં ફરિયાદ આપી
  • ઝાડ કાપી ટ્રેક્ટરમાં ભરી લઈ જતાં ગ્રામજનોએ અટકાવ્યું

ગળતેશ્વર તાલુકાના દેરોલી ગામની સીમમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાવળના ઝાડ કાપી ટ્રેક્ટરમાં ભરી લઈ જવાતાં ગ્રામજનોએ અટકાવ્યું છે. આ બનાવમાં સરપંચે સેવાલીયા પોલીસ મથકે એક ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.

ગળતેશ્વર તાલુકાના ડભાલી ગ્રામ પંચાયતની હદમાં દેરોલી ગામની સીમમાં સર્વે નં. 233 વાળી જમીન ગૌચરની આવેલી છે. આ ગૌચરની જમીનને અડીને આવેલ જમીન વાંઘરોલી ગામના ભરત ગોપાલ પરમારની છે. ઉપરોક્ત ગૌચરની જમીનમાં બાવળના ઝાડ વધુ હોવાથી ભરતે આ ઝાડને કાપી રાતોરાત માલામાલ બનાવનું નક્કી કરી લીધું હતું.

આથી ભરતે કોઈ જોઈ ન જાય તે રીતે ગત 31 ઓગસ્ટના રોજ ઉપરોક્ત ગૌચરની જમીનમાં ઘૂસી તેના મળતિયાઓ દ્વારા બાવળના લગભગ 17 જેટલા ઝાડ કાપી દીધા હતા. જે ટ્રેક્ટરમાં ભરી લઈ જવાતાં હતા. તે દરમિયાન ગામના કેટલાક લોકોએ આ ટ્રેક્ટરને અટકાવ્યું હતું. જોકે અટકાવતાં મામલો બીચકે તે પહેલા જ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ ડભાલી ગામના સરપંચ મહેબુબખાન પઠાણને થતાં તેમણે તુરંત તલાટી કમ મંત્રીને જાણ કરી હતી. બીજા દિવસે સરપંચ અને તલાટી તેમજ અન્ય સભ્યોએ સ્થળ પર તપાસ કરતાં આ ગૌચરની જમીનમાંથી બાવળના 17 જેટલા ઝાડ કાપી દીધા હતા. જે પૈકી 3 નંગ ઝાડને સ્થળ પર મૂકી અન્યની ચોરી કરી હોવાનું ઉજાગર થયું હતું.

ઉપરોક્ત બનાવમાં ગૌચરની બાજુની જમીન ભરત પરમારની હોવાથી જે તે સમયે ખરાઈ કરાવવા માટે પોલીસમાં ફરિયાદ અપાઈ નહોતી. પરંતુ હવે હકીકત સામે આવતાં ડભાલી ગામના સરપંચ મહેબુબખાન પઠાણે ઉપરોક્ત કુલ રૂપિયા 1 લાખ 36 હજારના કિંમતના બાવળોને કાપી 14 નંગ બાવળોની ચોરી આચરનાર ભરત પરમાર વિરુદ્ધ સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 379 અને 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...