નજીવી બાબતે માથાકૂટ:નડિયાદમાં બે પાડોશીઓ વચ્ચે પાણીના છાંટા ઉડવા બાબતે મારામારી, મહેમદાવાદમાં અપશબ્દો બોલતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે તકરાર

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના નડિયાદ અને મહેમદાવાદમાં મારામારીની બે ઘટના સામે આવી
  • આ બન્ને બનાવોને પગલે પોલીસ મથકોએ સામસામી ફરિયાદ નોંધાઈ

ખેડા જિલ્લામાં નડિયાદ અને મહેમદાવાદમાં નજીવી બાબતે મારામારી થઈ છે. નડિયાદમાં બે પાડોશીઓ વચ્ચે પાણીના છાંટા ઉડતા ઝઘડો થયો છે. જ્યારે મહેમદાવાદના વાંઠવાળીમાં અપશબ્દો બોલતાં દુકાન માલિક અને ગ્રાહક વચ્ચે તકરાર થઇ હતી. આ બન્ને બનાવોને પગલે પોલીસ મથકોએ સામસામી ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદમાં બે પાડોશીઓ વચ્ચે પાણીના છાંટા ઉડવા બાબતે વાત વણસી છે. શહેરના નાનાકુંભનાથ રોડ પર આવેલા આકાશ ગંગા સોસાયટીમાં મીનાક્ષીબેન રબારી રહે છે. તેમના ભત્રીજા વિશાલ ગોપાલભાઇ રબારી તથા તેમની પત્ની રેખાબેન ઉપરોક્ત સોસાયટીમાં આવેલા તેમનો પશુ બાંધવાનો શેડ ગતરોજ વહેલી સવારે સાફસફાઈ કરી રહ્યા હતા. આ સમયે અહીંયા સામેની બાજુએ રહેતા પ્રફુલ કરસનભાઈ રબારી પોતાના ઘરેથી બહાર નીકળીતી વેળાએ તેમના પર પાણીના છાંટા ઉડ્યા હતા. તેથી તેઓ વિશાલને ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. વિશાલે અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રફુલ્લ એકદમ ઉશ્કેરાઈ વિશાલની ફેટ પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

આ સમયે પ્રફુલ્લનું ઉપરાણું લઈ આવેલા તેમના ભાઈ ભરત તથા વિજયે ભેગા મળીને લાકડાના ડંડા વડે વિશાલને ખુબ મારમાર્યો હતો. આથી મીનાક્ષીબેન પણ વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ લાકડીની જાપોટો વાગી ગઈ હતી. આ ઉપરાંત મીનાક્ષીબેનના દેરાણી મધુબેનને પણ ઉપરોક્ત ઇસમોએ લાકડીનો ડંડો ફટકાર્યો હતો. આથી આ અંગે મીનાક્ષીબેને ઉપરોક્ત ત્રણેય ભાઈઓ પ્રફુલ રબારી, વિજય રબારી અને ભરત રબારી વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે પ્રફુલ્લભાઈ કરસનભાઈ રબારીની ફરિયાદમાં તેમના પર છાંટા ઉડતાં તેઓ ઠપકો આપવા જતાં ઉપરોક્ત વિશાલ રબારી, ગોપાલ રબારી અને હરીશ રબારી એકાએક ઉશ્કેરાયા હતા. તેમજ આ લોકોએ ડંડા વડે પ્રફુલભાઈ અને તેમના ભાઈઓ પર હુમલો કર્યો હતો. આથી આ ઘટના અંગે પ્રફુલ્લભાઈ રબારીએ પણ વિશાલ રબારી, ગોપાલ રબારી અને હરીશ રબારી વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે સામસામી ફરિયાદ નોંધી આઈપીસી 323, 504, 506 (2) અને 114 મુજબનો ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત અન્ય ઘટનામાં મહેમદાવાદના વાંઠવાળીમાં નજીવી બાબતે મારામારી થઇ છે. આ ગામે રહેતા રફીક મલેક ગામમાં નોન વેજની દુકાન ધરાવે છે. ગત 2જી ઓક્ટોબરે તેઓ પોતાની દુકાનમાં હાજર હતા. ત્યારે ગામમાં રહેતા સાજન નવઘણભાઈ તળપદા ઉપરોકત દુકાન પાસે આવી બિભત્સ અપશબ્દો બોલતાં હતા. આથી રફીકે અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા સાજન તેને મારવા ફરી વળ્યો હતો. ઉપરાંત સાજને નજીકમાંથી ચણીભાઈ તળપદા અને દિલીપ તળપદા નામના બે વ્યક્તિઓને બોલાવી લાવી ત્રણેય લોકોએ રફીક અને તેના ભાઈને લાકડના ડંડા વડે ગંભીર પૂર્વક મારમાર્યો હતો. આથી આ અંગે રફીક મલેકે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે સાજન તળપદાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પત્ની કૈલાસબેન અગાઉના દિવસે રફીક મલેકની દુકાને મરઘી લેવા ગઈ હતી. તે દરમિયાન ભીડ હોવાથી દુકાનદારે તેમને રાહ જોવા જણાવ્યું હતું અને આ બાદ તેના ભાઈએ ગમેતેમ બોલવા લાગ્યો હતો. જેથી આ અંગે સાજન ઠપકો આપવા જતાં રફીક અસ્લામભાઈ મલેક, મહેલોમમીંયા અસ્લામભાઈ મલેક અને નજીરમીંયા નવાજમીંયા મલેકે સાજનને ગમેતેમ બોલવા લાગ્યાં હતા. જે બાદ લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો. આથી આ અંગે સાજને ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેમદાવાદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી આઈપીસી 323, 504, 506 (2) અને 114 મુજબનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...