તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કઠલાલના વાડીની મુવાડીમાં પરિવાર તબેલામાં સુવા ગયો અને તસ્કરો પોણા બે લાખ લઇ ફરાર થઇ ગયા

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફળીયામાં લગ્નના રાસ-ગરબા હોવાથી મોડી રાત સુધી ડીજે વાગતું હતું તેનો ફાયદો ઉઠાવ્યો
  • કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો, બે લોકો શંકાના દાયરામાં

ખેડા જિલ્લામાં દિવસેને દિવસે ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. પોલીસ પર પણ અનેક આક્ષેપ થતાં પોલીસની કામગીરી સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. કઠલાલના વાડીની મુવાડીમાં ઉપરના માળે રહેતો પરિવાર તબેલામાં સુવા ગયો અને તસ્કરોએ રૂપિયા એક લાખ 86 હજાર રોકડની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.

પરિવાર તબેલામાં સુવા ગયો અને તસ્કરોએ હાથ સાફ કર્યો

કઠલાલ તાલુકાના છીપીયાલ તાબેના વાડીની મુવાડી ગામે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. આ ગામે રહેતા અને બોરવેલનો ધંધો કરતા સતિષ પ્રહલાદસિંહ ડાભી પોતાના ઘરના ઉપરના માળે રહે છે. તેમનો નાનો ભાઈ કુંદન ગતરાત્રે બોરવેલના કામે બહારગામ ગયો હતો. તેથી સતિષ અને તેમની પત્ની બન્ને લોકો ઘરની સામે આવેલા તબેલામાં સુવા ગયા હતા. જ્યારે અન્ય લોકો ઘરની ઓસળીમાં સુઈ ગયા હતા. આશરે સાડા નવ વાગ્યાની આસપાસ ઉપરોક્ત દંપતિ પોતાના રૂમનું તાળુ મારી નીચે આવ્યા હતા. ફળીયામાં અન્ય એક વ્યક્તિના લગ્નના રાસ-ગરબા હોવાથી મોડી રાત સુધી ડીજે વાગતું હતું.

આશરે એક વાગ્યાની આસપાસ સતિષની પત્ની સજનબેન પોતાના ઘરમાં ઉપરના માળની રૂમમાં ચાર્જર લેવા ગયા હતા. ત્યારે રૂમ ખોલી જોતાં સરસામાન વેરવીખરેલ હાલતમાં જોઈ તેઓ ગભરાઈ ગયા હતા. તુરંત જ નીચે આવી આ વાતની જાણ સતિષને કરી હતી. જેથી સતિષ પોતાની રૂમમાં દોડી ગયા હતા. જ્યાં તપાસ કરતાં તેમણે અહીંયા પતરાના પીપમાં મુકેલા બોરવેલના રૂપિયા અને તેમના દિકરાના બચતના ગલ્લામાં એમ કુલ એક લાખ 86 હજારના મત્તાની રોકડ તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે કઠલાલ પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. વધુમાં સતિષે પોતાના ફળીયામાં રહેતા બે શકદારો પ્રવિણ ગણપત ડાભી અને જગદીશ અભેસિંહ ડાભી સામે શંકા દર્શાવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ બન્ને લોકો નાની મોટી ચોરીઓ કરતાં હોવાથી આ શક્યતા સતિષે દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...