ખેડા જિલ્લામાં પરિણીતાઓ પર ત્રાસ વર્તાવવાના ગુનાઓમાં સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. તો વળી અમૂક કિસ્સામાં ત્રાસ સહન ન થતા પીડીતા આપઘાતનો પણ રસ્તો અપનાવે છે. મહેમદાવાદના છાપરાની પરિણીતાએ દારુડિયા પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળી પોતાની વ્હાલસોયી દોઢ વર્ષની દીકરી સાથે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. જેમા માતા-પુત્રીનુ મોત નિપજ્યું છે. આ બનાવમાં 5 વર્ષનો દીકરો મા વિહોણો થયો છે. આ અંગે મૃતક પરિણીતાના પિતાએ પોતાના જમાઈ અને વેવાઈ-વેવાણ સામે મહેમદાવાદ પોલીસમા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે મોલોકૂવો વિસ્તારમાં રહેતા પંકજભાઈ રાવજીભાઈ જાદવની બે દિકરીઓના લગ્ન વર્ષ 2011મા આ તાલુકાના છાપરા ગામે કર્યા હતા. જેમા મોટી દીકરી રમીલા ઉર્ફે મનીષાના લગ્ન છાપરા ગામના મહેશ રાવજીભાઈ ગોહેલ સાથે થયા હતા. જ્યારે નાની દીકરી અલ્પાના લગ્ન મહેશના કાકાના દીકરા સાથે કરાયા હતા. લગ્ન બાદ આણું લઈને આ બંને દિકરીઓ પોત પોતાની સાસરીમા ગઈ હતી.
શરૂઆતના સમયગાળામાં રમીલા ઉર્ફે મનીષાને સારી રીતે રાખતા લગ્નના ત્રણ વર્ષ બાદ તેણીને સારા દિવસો રહ્યા હતા અને તેણીનીએ એક દિકરાને જન્મ આપ્યો હતો જે હાલ 5 વર્ષનો છે. આ બાદ રમીલા ઉર્ફે મનીષાના સુખી લગ્ન જીવનમાં ખટરાગ ઊભો થયો હતો. કારણ કે દિકરાના જન્મ બાદ મહેશ ગોહેલ પોતે કોઈ કામ ધંધો કરતો નહોતો અને દારુની લતે ચઢી ગયો હતો. આથી રમીલા ઉર્ફે મનીષા આ અંગે ઠપકો કરતા બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા.
આ મામલે અવારનવાર પરિણીતા પોતાના સાસુ સસરાને કહે તો પણ તેના સાસુ સસરા પોતાના પુત્રનુ ઉપરાણુ લઈ તેણીની સાથે ઝઘડો કરતા હતા. આમ અવારનવાર રીસાઈને રમીલા ઉર્ફે મનીષા પોતાના પિયરમાં આવતી હતી જોકે તેણીના માતા પિતા સમજાવી બુજાવીને પરત સાસરે મોકલતાં હતા.
આ વચ્ચે રમીલા ઉર્ફે મનીષાને વધુ એક વખત સારા દિવસો રહેતા તેણીનીએ વર્ષ 2019મા એક દિકરી પ્રીયાને જન્મ આપ્યો હતો. આ બાદ પણ દારુડિયો પતિ તથા સાસુ સસરા તેણીને ત્રાસ આપતા હોવાની વાતથી પંકજભાઈ જાદવ વાકેફ હતા. પણ ભાણા અને ભાણીનુ ભવિષ્યને લઇને પોતાની દીકરીને આશ્વાસન આપી હૂંફ આપતાં હતા.
ગત 28મી ફેબ્રુઆરીએ સવારે ઉપરોક્ત કંકાસના કારણે રમીલા ઉર્ફે મનીષાએ જીવન ટૂંકાવવાનો ફેસલો લઈ પોતાની સાસરી છાપરાથી પોતાના દોઢ વર્ષની દીકરી પ્રીયા સાથે નીકળી હતી અને મહેમદાવાદ ટેકરીયા વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક પર પસાર થતી કોઈ ટ્રેન નિચે પડતું મૂકી માતા-પુત્રીએ આપઘાત કરી દીધો હતો. જોકે, રમીલા ઉર્ફે મનીષાના ઘટના સ્થળે તો તેમની દોઢ વર્ષની પુત્રી પ્રિયાનુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પીએમ સહિત અંતિમ સંસ્કારની વિધી પતાવી ગતરોજ આ સંદર્ભે પંકજભાઈ જાદવે પોતાના જમાઈ મહેશ ગોહેલ, વેવાઈ રાવજીભાઈ મોહનભાઇ ગોહેલ અને વેવાણ કપીલાબેન ગોહેલ (તમામ રહે. છાપરા, તાબે જીભઈપુરા, તા.મહેમદાવાદ) સામે મહેમદાવાદ પોલીસમા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.