હાલાકી:નડિયાદના વાણીયાવડ પાસે ખોદકામ કરાતાં પ્રજા પરેશાન, સ્ટ્રોમ વોટર લાઇનમાં ગટર કનેકશન મળતાં કામ અટવાયું

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • RO પ્લાન્ટની બાકી રહેલ કામગીરી માટે ખોદકામ કરાયું

નડિયાદ શહેરના ટ્રાફિકથી ભરચક કોલેજ રોડ પર આવેલા વાણિયાવડ સર્કલ પાસે મંગળવારના રોજ ફરી ખોદકામ કરવામાં આવ્યું છે. જેને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જોકે, પીવાના પાણીની લાઇન નાંખવા માટે થયેલા આ ખોદકામમાં સ્ટ્રોમ વોટર લાઇનમાં ગટરના પાણીનું જોડાણ મળતા કામ અટવાયું હતું.

નડિયાદ શહેરના હાર્દસમા વાણિયાવડ સર્કલ વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની લાઇન પસાર કરવાના કામમાં દસેક મીટરનો કટકો બાકી હતો. આ પાઇપ લાઇન નાંખવાની કામગીરી મંગળવાર સવારે શરૂ કરવામાં આવી હતી. થોડા ઊંડાણના ખોદકામ દરમિયાન તેમાં સ્ટ્રોમ વોટર લાઇન નીકળી હતી. જેમાં ગટરના કનેકશન હોવાથી ગંદા પાણી હતાં. આથી, કામગીરી અટકી પડી હતી અને પાલિકા દ્વારા આ ગટરના ગંદા પાણી ઉલેચી રસ્તા પર જ છોડવામાં આવતાં હાલાકી બેવડાઇ હતી.

વાણિયાવડથી કિડની સુધીનો રોડ છેલ્લા બે મહિનાથી વાહન ચાલકો માટે શીરદર્દ સમાન બન્યો છે. પાલિકાએ પાઇપ લાઇન નાંખવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ પુરાણમાં વેઠ ઉતારવામાં આવી હતી. બાદમાં માર્ગની મરામત પણ કરવા ખાતર કરી હોય તેવી સ્થિતિ હતી. જેને લઇને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાએ ફરીથી ખોદકામ કરતાં મુશ્કેલી બેવડાઇ છે.

શહેરના ગટરના નકશા હોવા છતાં ત્રણ સ્થળે તપાસ કરવી પડી
નડિયાદ શહેરમાં ગટર લાઇન નાંખવાના કામમાં કેટલી લાલીયાવાડી ચાલી હતી. તે વાણિયાવડના કામ પરથી જોવા મળી હતી. અહીં ગટરના પાણીના કનેકશન મેળવવા ત્રણ કામ ખોદી તપાસ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...