માસુમનો શું વાંક?:ઉત્તરાયણની સંધ્યાએ ઠાસરાના નનાદરામાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના સરપંચે ઠાસરા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી
  • કડકડતી ઠંડીમાં તાજી જન્મેલી બાળકીને કોઇ પણ કપડા પહેરાયા વગર તરછોડાઈ

ખેડા જિલ્લામાં બાળકોને તરછોડવાના બનાવો બેફામ વધી રહ્યા છે. તેમાં તાજા જન્મેલા બાળક-બાળકીઓને ત્યજવાની ઘટનાઓ એકપછી એક બની રહી છે. ઉત્તરાયણની સંધ્યાએ ઠાસરા તાલુકાના નનાદરા ગામમાં રુવાડા ઊભા કરી દે તેવા કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. જેમાં કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા તાજુ જન્મેલ બાળકીને અવાવરુ જગ્યાએ ત્યજી દેતાં આ બાળકીનું દર્દનાક મોત મળ્યું છે. બાળકી દુનિયામાં આવ્યા બાદ તુરંત આવુ મોત મળતાં લોકોએ આ કૃત્ય આચરનાર સામે ફિટકાર વરસાવ્યો છે. ઠાસરા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના નનાદરા ગામે જુનુ બહુચર માતાના મંદિર પાછળ ખડીયાટ જવાના રસ્તા નાળાની કિનારીએ ઉત્તરાયણની સંધ્યા ટાંણે કોઈ નવ જાત બાળકી મૃત હાલતમાં મળી હોવાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસર્યા હતા. આ ઘટનાની જાણ ગામના સરપંચ પ્રવિણભાઈ પરમારને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બિનવારસી મૃત હાલતમાં મળી આવેલ આ બાળકીના શરીરે કોઈ જાનવરે બચકા ભરેલાના નિશાન પણ જોવા મળ્યા હતા. સરપંચે ઘટનાની જાણ ઠાસરા પોલીસને કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પહોંચેલ પોલીસે આસપાસ આ બાળકીના વાલીવારસોને શોધવા પ્રયાસો કર્યા પણ કોઈ મળ્યું નહોતું. આ મરણ ગયેલ નવજાત બાળકીને કોઈ અજાણી મહિલાએ પોતાના પાપ છુપાવવા બાળકીને જન્મ આપ્યા બાદ ત્યજી દીધેલું હોવાનું પોલીસે માની આ અંગે સરપંચ પ્રવિણભાઈ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. થીજવી દે તેવી ઠંડીમાં કોઇ કપડા પહેરાયા વગર આ બાળકીને તરછોડતાં તેણીનું દર્દનાક મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઠાસરાના ગુમડીયામાં આ રીતે બાળક તરછોડવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પરંતુ તે સમયે બાળક સ્થાનિકોએ જોઈ લેતા તેનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...