ગ્રામ પંચાયત ચૂંટણી:ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, ખાટલા પરીષદોની બેઠકોનો દોર શરુ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોના સમર્થકોએ પોત પોતાના વિસ્તારમાં જ નાકાબંધી કરી
  • ગામમાં ચોરા, રસ્તા અને ભાગોળ ખાતે લગાવવામાં આવેલા ઉમેદવારોના બેનરોને હટાવવામાં આવ્યા

ખેડા જિલ્લામાં હાઈટેક ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે. રવિવારે મતદાન થનાર છે. આ પહેલા 24 કલાક પૂર્વે સમગ્ર જિલ્લામાં ચૂંટણીના પડઘમ સમેટાઈ ગયા છે. એટલે કે ચૂસ્ત આચારસંહિતા લાદી દેવામાં આવી છે. શુક્રવાર સાંજ બાદ ચૂંટણીના પડઘમ શાંત થતાં હવે ખાટલા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉપરાંત ડીજીટલ પ્રચારના માધ્યમથી ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.

ખેડા જિલ્લાના 10 તાલુકાઓમાં 417 ગામોની સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી આગામી રવિવારના દિવસે થવા જઈ રહી છે. શુક્રવારના દિવસનો સૂરજ આથમતાં જ સમસ્ત જિલ્લામાં ચૂંટણીના પડઘમ સમેટાઈ ગયા છે. ચૂસ્ત આચારસંહિતા લાદી દેવામાં આવતાં ગામમાં ચોરા, રસ્તા અને ભાગોળ ખાતે લગાવવામાં આવેલા ઉમેદવારોના બેનરોને હટાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ ઉમેદવારોના સમર્થકોએ પોત પોતાના વિસ્તારમાં જ નાકાબંધી કરી દીધી છે. અન્ય કોઈ વિસ્તારનો વ્યક્તિ પ્રવેશી મતદારોને આકર્ષવા કામ ન કરે તે માટે કવાયત હાથ ધરી દીધી છે.

રસાકસી ભરેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ શાંત થતાં હવે ઉમેદવારો અને તેમના સમર્થકોએ ખાટલા બેઠકનો દોર શરુ કરી ચૂંટણીની રાજનીતિ તૈયાર કરી છે. છેલ્લી ઘડીએ કઈ રીતે મતદારોને રીઝવી શકાય તે દિશામાં ઉમેદવારો અને સમર્થકોએ કામગીરી હાથ ધરી છે. ગામડાઓમાં ઉમેદવારો અને તેમના લોકો શામ, દામ દંડ ભેદની નીતિ અપનાવી મતદારોને ખુશ કરવા લાગી ચૂક્યા છે. તો મતદારો કોને ફળશે તે તો પરીણામના દિવસે જ માલૂમ પડશે.

આ હાઈટેક બનેલી ચૂંટણી ટાંણે પંચાયત પર કબ્જો મેળવવા પાછલા બારણે રાજકીય પક્ષો જેવા કે ભાજપ, કોંગ્રેસ પણ સક્રીય બન્યા છે. આવા પક્ષો મથામણ કરી ગ્રામજનોને આ વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જેના કારણે પાછળ આવતી વિધાનસભાની ચૂંટણીમાં આવા પક્ષોને મોટો ફાયદો મળી રહે એમ છે.

ઉમેદવારોએ વાયદાની લ્હાણી વચ્ચે છેલ્લી ઘડીએ પોતાની તરફેણમાં મતદાન ખેંચવા પ્રયાસો કરશે. પોતાની તરફ મતો એક કરવા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ટેકેદારો સાથે અંતિમ ઘડીએ બેઠક યોજી રીસામણા દૂર કરવા પ્રયાસો શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...