ડ્રિંક એન્ડ ડ્રાઇવ:ખેડા નજીક રિક્ષાને પાછળથી ટક્કર મારનાર ટ્રક ચાલક નશામાં હોવાનું સામે આવ્યું, ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો
  • અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 7 લોકો તેમજ ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થયા હતા, એકનું મોત થયું હતું

ખેડા નજીક ગતરોજ સમીસાંજે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક પોતે નશામાં ટ્રક હંકારતો હોવાનું બહાર આવ્યું છે. ટ્રક ચાલકે પાછળથી રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા 7 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ ટ્રક ચાલકને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક પોતે દારુ પી વાહન હંકારતો હોવાની જાણ થતાં ચાલક સામે ખેડા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે.

ખેડા નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર ગુરુવારની સમી સાંજે મુસાફરો ભરેલી પીયાગો રિક્ષા ખેડા તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી પુર ઝડપે આવેલી ટ્રક ધડાકાભેર રિક્ષા સાથે અથડાઇ હતી. જેથી રિક્ષાનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવી ઈજાગ્રસ્તોને તુરંત બહાર કાઢ્યા હતા અને 7 જેટલા ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે ખેડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

આ અકસ્માતમાં જયેશ રામાભાઈ સોલંકી (ઉં. વ. 30)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને પણ ઈજા થતાં તેને પણ સારવાર માટે ખેડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ખેડા ટાઉન પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતાં ટ્રક ચાલક રામદયાલ સુગનામરામ ખટકી (રહે. બાગાવાસ, આહીરાન, વિરાટનગર, જયપુર) પોતે નશામાં પોતાની ટ્રક ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રક ચાલકે પુષ્કળ પ્રમાણમાં દારુ પી પેસેન્જરને ઊતારી રહેલી રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ અંગે ખેડા ટાઉન પોલીસે ઉપરોક્ત ટ્રક ચાલક સામે ડ્રીક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...