ત્રાસ:પિયરમાંથી પાંચ લાખ રુપિયા નહીં લઇ આવે તો તારૂ અહીંયાં કંઇ કામ નથી, આવા શબ્દો બોલી કપડવંજની પરીણિતાને પતિએ તરછોડી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત કોર્ટના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પતિએ પોતાની શિક્ષિકા પત્ની દહેપાસે જની માંગણી કરી
  • માંગણી નહી સંતોષતા પતિએ પત્નીને ઘરમાંથી તગેડી મુકી

પુરૂષ પ્રધાન દેશમાં દિવસેને દિવસે મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. શિક્ષિત વર્ગોમાં પણ હવે દહેજ માંગવાની પરંપરાનું દુષણ ફુલી ફાલ્યું છે. આણંદ જિલ્લાના ખંભાત કોર્ટના ક્લાર્કે પોતાની શિક્ષિકા પત્ની પાસે દહેજની માંગણી કરતાં ચકચાર જાગી છે. શિક્ષિકા પરીણિતાએ માંગણી નહી સંતોષતા તેણીને ઘરની બહાર કાઢી મુકી છે. આથી પરીણિતાએ પોલીસના પગથિયાં ચઢવા પડ્યા છે. આ અંગે પરીણિતાએ પોતાના પતિ, સાસુ-સસરા અને બે નણંદ સામે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કપડવંજ શહેરના ઘાંચીબારી વિસ્તારમાં રહેતા ફરહાન મનસુરીના લગ્ન સમાજના રીતીરિવાજો મુજબ વર્ષ 2018માં કપડવંજની જ યુવતી સાથે થયા હતા. યુવતી પોતે પેટલાદ તાલુકાના દંતાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે જ્યારે ફરહાન પોતે ખંભાત કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. પરીણિતાના સસરા યાસીન મનસુરીએ પોતાની પુત્રવધુને જણાવ્યું હતું કે તારે કોઈ નોકરી કરવાની નથી. આ બાબતે અને અન્ય બાબતે અવાર નવાર સસરા તેમજ સાસુ રૂકૈયાબાનું પોતાની પુત્રવધુને મહેણાં ટોણાં મારતાં હતા. સાથે સાથે તેના દિકરા ફરહાનને પણ ખોટી ચઢવણી કરતાં હતા. જેના કારણે ફરહાન પણ પરીણિતા પર ત્રાસ ગુજારતો હતો. તારુ અહીંયા કોઈ કામ નથી, હું તને રાખવાનો નથી તેમ કહી ફરહાને દહેજ માટે પાંચ લાખની માંગણી કરી હતી. જે માંગણી પરીણિતાએ નહી સંતોષતા તેણીને ઉપરોક્ત તમામ ઈસમો પરીણિતાને પહેરેલાં કપડે ઘરની બહાર કાઢી મુકી હતી.

ઉપરાંત તેને અપશબ્દો બોલી તેની સાથે મારઝૂડ પણ કરી હતી. આથી પરીણિતાને કોઈ સહારો નહી મળતા ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢવા પડ્યા છે. આ બનાવ સંદર્ભે પરીણિતાએ પોતાના પતિ ફરહાન મનસુરી, સસરા યાસીન મનસુરી, સાસુ રૂકૈયાબાનું મનસુરી, નણંદ કાયનાત મનસુરી અને નાજીયાબાનુ મનસુરી વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે આઈપીસી 498 A,323,504,506(2) અને 114 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...