આત્મનિર્ભર યોજના:સહકારી બેંકો માટે ‘દાન’ કરીને ભીખ માંગવાની સ્થિતિ સર્જાશે!, સ્વભંડોળમાંથી લોન આપીને બેંકો ‘નાયલોન’ જેવી થઇ જશે

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોન આપવી કે નહિં ? ખેડા મધ્યસ્થ સહકારી બેંકની બેઠકમાં આજે નિર્ણય : બેન્કો પાસે મર્યાદિત ભંડોળ હોવાથી મુંઝવણ

રાજ્ય સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન મેળવવા મોટી સંખ્યામાં લોકોએ સહકારી બેન્ક પર ધસારો કરી દીધો હતો. જોકે, પ્રથમ દિવસે જ તેમના હાથે નિરાશા લાગી છે. બીજી તરફ ખેડા જિલ્લામાં સહકારી બેન્ક આ લોન આપવા કેટલી સક્ષમ છે, તે સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી તરફથી કવાયત હાથ ધરવામાં આવી છે. હાલ પાંચ સો કરોડનું સ્વભંડોળ જણાઇ રહ્યું છે. જ્યારે જિલ્લાની સૌથી મોટી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક 30મીએ બેઠક બાદ નિર્ણય જાહેર કરશે. હાલ સ્વભંડોળના આંકડા પરથી પાંચથી છ હજાર લોન ધારકને જ લોન આપી શકાય તેટલી ક્ષમતા છે. આમ છતાં વધુમાં વધુ લોકોને નાણા મળે તે માટે આયોજનો ઘડાઇ રહ્યાં છે. 
લોકડાઉન બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં નાના વર્ગને સહાય મળી રહે તે માટે આત્મનિર્ભર યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં નાના વેપારી, રીક્ષા ચાલકો, કટલરીવાળા અને ફેરિયાઓને એક લાખ સુધીની મર્યાદામાં લોન મળશે. આ લોન સહકારી બેન્ક, ક્રેડિટ સોસાયટી પર મળી રહેશે. ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક (કેડીસીસી) સિવાય અન્ય દસ કો ઓપરેટિવ બેન્ક આવેલી છે. જેમાં કેડીસીસી બેન્ક આણંદ અને ખેડા જિલ્લામાં 84 શાખા ધરાવે છે. બીજી અન્ય બેન્કની ક્ષમતા જોતા આગામી દિવસોમાં આ સહકારી બેન્ક લોન ધારકોને પહોંચી વળશે કે કેમ ? તે પ્રશ્નાર્થ ઉભો થયો છે. કારણ કે આ સહકારી બેન્કનું કુલ સ્વભંડોળ પાંચ સો કરોડથી વધુ નથી. જો બેન્ક વધુ લોન આપવાની ના પાડશે તો નાના વર્ગોમાં રોષ ભડકશે. આ રોષ કાબુમાં લેવા ખૂબ જ મુશ્કેલ બને તેવો ભય અત્યારથી જ જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. 
બેન્કોનો સંપર્ક કરી ગાઇડ લાઇન આપી છે 
આત્મનિર્ભર યોજના સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રારને નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લામાં 10 કો. ઓપરેટિવ બેન્ક ઉપરાંત 34 જેટલી ક્રેડિટ સોસાયેટી પણ છે. આ તમામને જરૂરિયાતવાળાને લોન આપવા સલાહ અપાઈ છે. > રિના બહેન પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, ખેડા

કેડીસીસી બેન્ક આજે નિર્ણય લેશે
કેડીસીસી બેન્ક પાસે હાલ 70થી 80 કરોડનું સ્વભંડોળ છે. જોકે, 30મી મેના રોજ બેન્કની બોર્ડ બેઠક છે. આ બેઠકમાં બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે કે આત્મનિર્ભરની લોન આપવી કે કેમ ? જો સર્વસંમતિથી હા પડે તો કેવી રીતે આપવી ? તે પણ નિર્ણય લેવામાં આવશે. > ધીરુભાઇ ચાવડા, ચેરમેન, કેડીસીસી બેન્ક, ખેડા

બેંક ફડચામાં જાય તેવો ભય
જિલ્લામાં કેટલી બેંક છે? ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક, નડિયાદ પીપલ્સ, ઉત્તરસંડા પીપલ્સ, પીજ પીપલ્સ કો. ઓપ. બેન્ક, લીંબાસી પીપલ્સ બેન્ક, મહેમદાવાદ પીપલ્સ, મહુધા નાગરિક સહકારી બેન્ક, કપડવંજ પીપલ્સ કો. ઓપ. બેન્ક, ઠાસરા પીપલ્સ કો. ઓપ. બેન્ક, સેવાલીયા અર્બન બેન્કનો સમાવેશ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...