તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શીતળા સાતમ:ખેડા જિલ્લામાં કોપરું તથા કુલેર ધરાવી બહેનોએ શીતળા સાતમની ઉજવણી કરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ શીતળા માતાની પૂજા કરી, ઘરના સર્વે સભ્યોએ ટાઢુ ભોજન લીધું

શ્રાવણ વદ આઠમ પહેલા આવતી સાતમનું ઘણું જ મહત્વ રહેલું છે. જેને શીતળા સાતમ તરીકે ઉજવાય છે. આ દિવસે ઘરની ગૃહિણીઓ શીતળા માતાની પૂજા કરે છે અને પ્રસાદીમાં કોપરું તથા કુલેર ધરાવવામાં આવે છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આ સાતમની ઉજવણી કરાઈ છે.

રવિવાર શીતળા સાતમ પર્વ ઉજવાયો છે. આ દિવસે ઘરની ગૃહિણીઓ શીતળા માતાની ખાસ પૂજા કરે છે. કુલેર અને કોપરું તેમજ છઠ્ઠના દિવસે બનાવેલ ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે. છઠ્ઠના દિવસે બનાવેલ પુરી, થેપલા, દૂધપાક, વડા વિગેરે બીજા દિવસે એટલે કે સાતમના રોજ આરોગવામાં આવે છે. સાતમના દિવસે ઘરના તમામ લોકો ઠંડુ જમવાનું આરોગે છે. જોકે, આ ટાઢુ ભોજન પાછળ સાયન્ટિફિક કારણ પણ છુપાયેલું છે.

સાતમના દિવસે ગેસ, સ્ટવ કે ચૂલો સળગાવવામાં આવતો નથી. સાતમ નિમિત્તે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આવેલ શિવાલયોમાં શીતળા માતાની પૂજા કરવા મહિલાઓ ઉમટી પડી હતી. નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલ છાંગેશ્વર મહાદેવ, કોલેજ રોડ પરના ચંદ્રમોલેશ્વર મહાદેવ, તેમજ પશ્ચિમ વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર સહિત અનેક શિવ મંદિરોમાં શીતળા માતાની પૂજા કરી મહિલાઓએ ધન્યતા પ્રાપ્ત કરી છે. કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, માતર, મહુધા, ઠાસરા સહિત સમગ્ર જિલ્લામાં આ પર્વની ઉજવણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...