હાલાકી:ખેડા જિલ્લામાં જિ-સ્વાનનું સર્વર ઠપ્પ થતાં મોટાભાગની ઓનલાઇન કામગીરી પર અસર પડી

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરટીઓ કચેરીમાં ઠપ્પ થયેલ સર્વરથી પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે - Divya Bhaskar
આરટીઓ કચેરીમાં ઠપ્પ થયેલ સર્વરથી પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
  • કન્ટ્રોલમાં સ્વીચ બોર્ડમાં ખામી સર્જાતા કનેક્ટીવીટી ખોરવાઈ જતાં કામગીરી બંધ થતાં હાલાકી
  • નડિયાદ RTO કચેરીમાં છેલ્લા એક સપ્તાહથી સર્વર બંધ

ખેડા જિલ્લામાં જિ-સ્વાનનું સર્વર એકાએક ઠપ્પ થતાં સરકારી કચેરીઓમાં મુશ્કેલીઓ વધી છે. મોટાભાગની કચેરીઓમાં ઓનલાઇન કામગીરી પર અસર પડતાં કર્મચારીઓ સહિત અરજદારો મુંઝવણમાં મુકાયા છે. સ્માર્ટ ઈન્ડિયાની ગુલબાંગ વાતો વચ્ચે આવી પરિસ્થિતિ ઉભી થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં બુધવાર બપોરે મોટાભાગની સરકારી કચેરીઓમાં ચાલતાં જિ-સ્વાનનું સર્વર એકાએક ઠપ્પ થઈ ગયુ હતું. જેના કારણે ઓનલાઇન પર નિર્ભર સંપૂર્ણ કામગીરી ખોરવાઈ ગઈ છે. અમુક કલાકો સુધી આ સર્વર ઠપ્પ થતાં મોટાભાગની સરકારી કચેરીઓમાં ઓનલાઇન કામગીરીને અસર પહોંચી છે.

નડિયાદ સ્થિત કલેકટર કચેરીમાં આવેલ જિલ્લાના કન્ટ્રોલ રૂમમાંથી સ્વિચ બોર્ડમાં એકાએક ખામી સર્જાતા કનેક્ટીવીટી ખોરવાઈ જવા પામી છે. ઓનલાઇન કામગીરી જેમ કે સાત બારની નકલ સહિત અનેક કામગીરી પર અસર પડી છે. આથી સરકારી કર્મચારીઓ તથા અરજદારો પણ રોષે ભરાયા છે. જોકે, બપોર બાદ વસો સહિતના એક તાલુકા મથકે રાબેતા મુજબ સર્વર ચાલુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય તાલુકા અને નડિયાદ શહેર માટે કામગીરી હાથ ધરી દેવાઈ છે તેવુ કલેકટરના પીએ સાથે વાત કરતાં જણાવ્યું છે.

નડિયાદ RTO કચેરીમાં છેલ્લા એક સપ્તાહથી સર્વર બંધ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલ RTO કચેરીમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્વર બંધ રહેવા પામ્યું છે. વાવાઝોડાને કારણે ગત 18મી મેથી અહીંયા સર્વર ઠપ્પ થઈ ચૂક્યું છે. જેના કારણે લાયસન્સ સહિતની કામગીરી અટકી જવા પામી છે. RTOઅધિકારી કે. એમ. ખપેડ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, જુની કલેકટર કચેરીમાં આ સર્વરનું કન્ટ્રોલ આવેલ છે જે વાવાઝોડાના સમયમાં બેટરી અને વાયર ડેમેજ થતાં BSNL અને જિ-સ્વાન એમ બન્નેનું સર્વર ખોરવાઈ ચૂક્યું છે. જે આજ દિન સુધી કાર્યરત થયું નહી. આટલી બધી ટેકનોલોજી છે તેમ છતાં પણ આ સર્વર જો અઠવાડિયા પછી પણ ચાલુ નહી થતાં સરકારની સ્માર્ટ ઈન્ડિયાની વાતો ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...