રાત્રી સભા:ખેડાના વાસણાબુઝર્ગમાં જિલ્લા કલેકટરની રાત્રીસભા યોજાઇ, ગ્રામજનોએ રસ્તા, પાણી અને દબાણની રજૂઆત કરી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31મી ઓક્ટોબર સુધી દરેક ગામોમાં કાર્યક્રમો યોજાશે
  • સ્વચ્છતા અભિયાન, સાફ-સફાઇને પ્રાધાન્ય આપી તમામ લોકો સ્વયંભુ જોડાય તે માટે કલેક્ટરે અપીલ કરી

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા જલ જીવન મિશન તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તાજેતરમાં ખેડાના વાસણાબુઝર્ગમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા તાલુકાના વાસણા ગામના ગ્રામજનોને સંબોધતા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ જણાવ્‍યું હતું કે આ કાર્યક્રમ થકી સ્વચ્છ ભારત નિર્માણ જાગૃતિ કાર્યક્રમ, કોવિડ-19 રસીકરણ માટે જનજાગૃતિ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો અટકાવવાના કાર્યમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમજ 15માં નાણાપંચમાંથી થતા વિવિધ કામો તેમજ માર્ગદર્શિકાથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સભામાં જિલ્લા કલેકટરના હસ્તે ઇ-શ્રમ કાર્ડ તથા ગંગા સ્વરૂપા બહેનોને હુકમ સહાય અર્પણ કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા ક્લેક્ટરને રસ્તા, પાણી, દબાણના પ્રશ્નોની રજૂઆતો સાંભળી નિરાકરણ અર્થે સંબંધિત શાખાને જણાવવામાં આવ્યું હતું. ગ્રામસભામાં આઝાદીના અમુત મહોત્સવના 75 વર્ષના વિષય પર ઉદબોધન અને સંવાદ કરવામાં આવ્યા હતો.

31મી ઓક્ટોબર દરમ્યાન દરેક ગામોમાં કાર્યક્રમો યોજાશે જેમાં સ્વચ્છતા અભિયાન, સાફ-સફાઇને પ્રાધાન્ય આપી તમામ લોકો સ્વયંભુ જોડાય તે માટે કલેક્ટરે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવે, તાલુકા વિકાસ અધિકારી સહિત પદાધિકારીઓ અને ગામના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...