તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર્વત્રિક વરસાદ:ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન, છેલ્લા 24 કલાકમાં કઠલાલમાં સાડા ત્રણ ઇંચ અને સૌથી ઓછો ગળતેશ્વર પંથકમાં વરસાદ

નડિયાદ25 દિવસ પહેલા
  • વરસાદ પડતાં ધરતીપુત્રો સહિત જીલ્લા વાસીઓમાં આનંદ છવાયો
  • નડિયાદમાં ખાબકેલા વરસાદથી ચારેય ગરનાળામાં પાણી ભરાયા જોકે થોડા જ સમયમાં આ પાણી ઓસરી પણ ગયા હતા

ખેડા જિલ્લામાં અંતે આશાઓના વાદળો બંધાયા છે. ગત મધરાત બાદ આજે વહેલી સવાર સુધી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. લોકોની પ્રાર્થના ફળતાં અંતે મેઘરાજા જીલ્લામાં મહેરબાન બન્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં મેઘરાજા કઠલાલ પંથકમાં મન મૂકીને વરસ્યા છે.

રાજ્યમાં વરસાદે ધીમી ધારે જમાવટ કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ નહી વરસતાં સૌકોઈ ચિંતિત બન્યા હતા. તેમાં ખાસ કરીને ધરતીપુત્રોની હાલત કફોડી બની હતી. એક બાજુ વરસાદ નહોતો અને બીજી બાજુ છેવાડાના ધરતીપુત્રોને કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી નહી મળતાં તેમને પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવતી હતી.

આ વચ્ચે ખેડા જિલ્લામાં ગતરોજથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. ચોમાસાની ઋતુમાં ભાદરવો માસ એક જ બાકી છે ત્યારે છેલ્લે છેલ્લે ધીમે ડગલે સમગ્ર પંથકમાં ચોમાસાએ જમાવટ કરી છે. આમ તો ગતરોજ દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો. જ્યારે મંગળવાર મધરાત બાદથી બુધવાર વહેલી સવાર સુધી સમગ્ર પંથકમાં કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

આ સમયગાળામાં વિજળીના કડાકા અને ગાજવીજ સાથે સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કઠલાલ પંથકમાં સાડા ત્રણ ઇંચ અને સૌથી ઓછો ગળતેશ્વર પંથકમાં વરસાદ નોંધાયો છે. આ સાથે નડિયાદમાં પણ 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ગ્રામ્‍ય પંથકના માર્ગો અને સોસાયટીના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા
જીલ્‍લાના 10 તાલુકામાં સાર્વત્રીક વરસાદના પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી. જયારે નડિયાદ અને કઠલાલ તાલુકાના અનેક ગામોની શેરીઅો, સોસાયટીના માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. નડિયાદમાં ચારેય ગરનાળામાં પાણી ભરાઈ જતાં પશ્ચિમ તરફનો વાહન વ્યવહારને અસર પડી હતી. જોકે થોડા સમય બાદ પાણીનો નિકાલ કરી દેવાતાં રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થઈ ગયો હતો.

ખેડૂતોના પાકને નવજીવન સમો વરસાદ
ચાલુ વર્ષે ચોમાસાની સીઝન પુર્ણ થવાના આરે પહોંચી ગઇ છે. પણ વરસાદ ન વરસતાં સમગ્ર જીલ્‍લાના તમામ તાલુકામાં પાણીના સંકટના એંઘાણ વર્તાવવાની સાથે હજારો હેકટર જમીનના ખેતરોમાં વાવણી કરાયેલ પાકો પર સંકટ તોડાતુ હતું. ખેડૂતોની કફોડી હાલત હતી દરમ્‍યાન મંગળવારની મધ રાત્રીથી જીલ્‍લાના 10 તાલુકામાં શરૂ થયેલ મેઘસવારીએ ખેડૂતોના મુખ્ય પાકોને નવજીવન આપ્યું છે. જેથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ
31 ઓગસ્ટની સવાર 7 વાગ્યાથી 1 સપ્ટેમ્બર સવાર 7 વાગ્યા સુધીના વરસાદ પર નજર કરીએ તો સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં કઠલાલ પંથકમાં 83 એમ. એમ. (સાડા ત્રણ ઇંચ), નડિયાદમાં 76 એમ. એમ. (3 ઇંચ), કપડવંજ 25 એમ. એમ. (1 ઈંચ), મહેમદાવાદ 39 એમ. એમ., માતર 68 એમ. એમ, ખેડા 48 એમ. એમ., ગળતેશ્વર 12 એમ. એમ., વસો 46 એમ. એમ., ઠાસરા 14 એમ. એમ અને મહુધા 30 એમ. એમ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. જેમાં મંગળવાર મધરાત બાદ બુધવાર વહેલી સવાર સુધી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.

24 કલાકમાં 5 ટકા વરસાદ વધ્યો
ખેડા જિલ્લામાં 31 ઓગસ્ટ સવારે 6 વાગ્યે સિઝનનો 36.56 ટકા વરસાદ નોંધાયો હતો. જે બાદ 24 કલાકમાં જિલ્લામાં વરસેલા પોણા બે ઇંચ વરસાદને પગલે કુલ વરસાદની ટકાવારી વધીને 41.93 થઈ હતી. આમ વિતેલા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 5 ટકા વરસાદ વધુ વરસ્યો હતો. હજુ પણ આગામી 36 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી સપ્ટેમ્બર માસની શરૂઆતમાં સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતોમાં છે.

અન્ય સમાચારો પણ છે...