ચાઇનીઝ દોરી:ખેડા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપલામાં વધુ 5 વેપારીઓ દંડાયા

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મ તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મ તસ્વીર
  • પોલીસે ચાર જૂદા જૂદા સ્થળોએથી વેપાર કરતાં વેપારીઓ પાસેથી ચાઈનીઝ દોરીનો ઝડપી
  • ડાકોર, કપડવંજ, કઠલાલ અને મહુધા પોલીસે જાહેરનામાના ભંગ અન્વયે ગુનો નોંધ્યો

ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે ચાઈનીઝ દોરીની બોલ બાલા વધી રહી છે. પતંગ રસીકો પણ આ દોરીની ડીમાન્ડ કરતાં હોવાથી વેપારીઓ આવી પ્રતિબંધિત દોરીનું ગેરકાયદે વેચાણ કરી લાભ મેળવતાં હોય છે. ખેડા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપલામાં વધુ 5 વેપારીઓ દંડાયા છે. ડાકોર, કપડવંજ, કઠલાલ અને મહુધા પોલીસે જાહેરનામાના ભંગ અન્વયે ગુનો નોંધી આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાકોર પોલીસે સર્કિટ હાઉસ સામે આંબલી ફળિયામાં રહેતા પતંગ દોરાના વેપારી દિનેશ રાવજીભાઈ વાઘેલાના ઘરે ગતરોજ છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસે ચાઇનીઝ દોરીની રીલ નંગ 20 કિંમત રૂપિયા 6 હજારનો માલ કબ્જે કર્યો છે. જ્યારે કપડવંજ ટાઉન પોલીસે સોનારપુરા પાટીયા પાસે ઊભેલા બે વેપારીઓ શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ આદરી હતી. દરમિયાન બન્ને પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી 5 હજાર વાર કુલ નંગ 41 કિંમત રૂપિયા 12 હજાર 300ની મળી આવી હતી. આથી પોલીસે આ બન્ને રાહુલ ઉર્ફે પોપટ મંગળ સોઢા (રહે. આલમપુર, તા. કપડવંજ) અને દીપક કનુભાઈ વાલ્મીકિ (રહે. સોનીપુરા, તા. કપડવંજ) સામે ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત કઠલાલ પોલીસે પણ ગતરોજ કઠલાલ તાલુકાના છીપડી ગામના મુખ્ય બજારમાંથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો જીગ્નેશ જશવંત સોની (રહે. છીપડી, તા. કઠલાલ) સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જીગ્નેશ પાસેથી ચાઈનીઝ દોરીના 61 ફીરકાની રીલો કિંમત રૂપિયા 12 હજાર 200 કબ્જે કર્યો છે. જ્યારે મહુધા પોલીસે ફીણાવ ભાગોળ ખાતે ચાઇનીઝ દોરીનો વેપલો કરતાં રઝામનમુર્તુફા ઈંતિયાજહુસેન કાજી સામે ગુનો નોંધ્યો છે.

આમ આ ચારેય બનાવોમાં પોલીસે જાહેરનામાના ભંગ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. આવી દોરી પશુ, પક્ષીઓ સહિત માનવીઓ માટે ઘાતક સમાન છે તેમ છતાં પણ આ દોરીનો વેપલો કરનાર લોકો અને ખરીદનાર વર્ગ બન્ને ઉત્સવને માતમમાં ફેરવવા પ્રયાસો કરે છે.

અન્ય સમાચારો પણ છે...