ઉજવણી:નડિયાદમાં પરંપરાગત રીતે કેનાલમાં જ ગણેશજીનું વિસર્જન

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂતકાળમાં કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાનું ટાળ્યું હતું એટલે આ વર્ષે પાલિકાએ વ્યવસ્થા ન કરી!
  • કેનાલ પર ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવામાં આવશે

નડિયાદ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે કોલેજ રોડ પર આવેલી મોટી કેનાલમાં જ દુંદાળા દેવની મૂર્તિઓનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. અન્ય મોટા શહેરો કે નગરપાલિકાઓની વાત કરીએ તો ત્યાં કૃત્રિમ કુંડ બનાવી મૂર્તિના વિસર્જનનો નિર્ણય કર્યો છે. ત્યારે નડિયાદ નગરપાલિકાના મુખ્ય ઈજનેર સાથે કૃત્રિમ કુંડ બનાવવા સંદર્ભે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા જૂના ડુમરાલ રોડ નજીક કેનાલ પાસે કૃત્રિમ કુંડનું નિર્માણ કરીને તેમાં પાણી ભરવામાં આવ્યુ હતુ.

પરંતુ નાગરીકોએ તે સમયે પણ મોટી કેનાલમાં જ મૂર્તિનું વિસર્જન કર્યુ હતુ. શ્રદ્ઘાળ‌ુઓની આસ્થાને ધ્યાને રાખી મોટી કેનાલમાં જ ગણપતિની મૂર્તિઓના વિસર્જનનો નિશ્ચય કરાયો છે. ગણેશ વિસર્જનના દિવસે ફાયર વિભાગના તમામ કર્મચારીઓ મોટી કેનાલ પર તૈનાત રહેશે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પરની કેનાલ અને પૂર્વ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી મોટી કેનાલમાં વિસર્જનનું પરંપરાગત સ્થળ નક્કી કરાયુ છે. ત્યારે બંને સ્થળ પર ફાયર વિભાગના તરવૈયાઓની ટીમ સાથે સાવચેતી પૂર્વક મૂર્તિઓનુ વિસર્જન કરાશે તેમ નગરપાલિકાએ જણાવ્યુ છે.

19 તારીખે 10 દિવસના ગણપતિનું વિસર્જન કરાશે
9 તારીખે ગણેશ ચતુર્થીના દિવસે ભાવિભક્તોએ દુંદાળા દેવાની મૂર્તિનું સ્થાપન કર્યુ હતુ. ત્યારબાદ લોકોએ માનતા અને આસ્થા મુજબ દોઢ દિવસે, ત્રણ દિવસે અને આજે પાંચ દિવસે કરાતુ વિસર્જન કર્યુ છે. મોટાભાગે ઘરમાં બાપ્પાનું સ્થાપન કરતા શ્રદ્ધાળુઓ આ દિવસોમાં વિસર્જન કરતા હોય છે. ત્યારે હવે આગામી 19 તારીખે શ્રીજીની સ્થાપનાને દસ દિવસ પૂર્ણ થતા સામુહિક વિસર્જન યોજનાર છે.

કપડવંજમાં પાંચ દિવસ માટે સ્થાપના કરાયેલા ગણેશજીની મૂર્તિઓનું મંગળવારે વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ મોટાનાગરવાડા, પુંડવાવ, સુથારવાડા સહિતના વિસ્તારમાંથી રંગેચંગે વિઘ્નહર્તાને ભાવભરી વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...