નિર્ણય:ખાનગીના બાળકોને પાલિકાની શાળામાં સીધો પ્રવેશ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખાનગી શાળાઓ LC ન આપે તો માત્ર એફીડેવીટના આધારે સરકારી સ્કૂલમાં એડમીશન

નડિયાદ નગરપાલિકાની શિક્ષણ સમિતિએ ખાનગી શાળાઓ સામે લાલ આંખ કરી છે. ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા કેટલાય વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી. તેવા સંજોગોમાં શાળા પ્રશાસન દ્વારા આ વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં ન મોકલી દાંડાઈ કરવામાં આવે છે. ઉપરાંત તેમનું એલ. સી. (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) દબાવી દઈ બીજે પ્રવેશ ન મેળવી શકે, તે પ્રકારનું ખોટુ વલણ અપનાવે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીના અભ્યાસ પર માઠી અસર પડે છે. ત્યારે નડિયાદ શિક્ષણ વિભાગ દ્વારા આવા વિદ્યાર્થીઓની વ્હારે આવ્યુ છે.

દાંડાઈ કરતી ખાનગી શાળા સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનું શસ્ત્ર ઉગામ્યુ છે. આ એક્ટ અન્વયે 6થી માંડી 14 વર્ષની વય ધરાવતા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ તેમની પસંદની શાળામાં આપવાનો કાયદો છે.

ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સમિતિ દ્વારા માત્ર વાલીના એફીડેવીટના આધારે નડિયાદ શિક્ષણ સમિતિ અંતર્ગતની કોઈ પણ સરકારી શાળામાં પ્રવેશ આપવાના નિર્દેશ કર્યા છે. આ માટે નડિયાદની તમામ સરકારી શાળાના મુખ્ય શિક્ષકોને પત્ર લખીને પ્રવેશ આપવા માટે જાણ કરાઈ છે. તેમજ વાલીઓને પણ કોઈ પણ જાતના ડર વગર સરકારી શાળાઓમાં પ્રવેશ લેવડાવવા માટે આગ્રહ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...