ચોંકાવનારો ઘટસ્ફોટ:ઠાસરાના ગુમડીયામાંથી બાળક મળવાનો મામલો, આડા સંબંધથી થયેલા બાળકની વાત સાસરી સુધી ના પહોંચે તે માટે પરિણીતાએ બાળકને તરછોડ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • ગુમડીયા ગામેથી મળેલા નવજાત શિશુ બાબતે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો

ઠાસરા તાલુકાના ગુમડીયા ગામે આજે સવારે નવજાત શિશુ મળી આવ્યું હતું. ઠાસરા પોલીસને જાણ થતાં પોલીસે બાળકનો કબજો લઈ તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ આ બાળકને ત્યજી દેનાર માતાને પકડી પાડી છે. પોલીસની તપાસમાં માતા પોતાના આડાં સંબંધને છૂપાવવા આ કારસ્તાન આચર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

નવજાત શીશુ બાળકને કોઇ અજાણી સ્ત્રી પોતાનુ પાપ છૂપાવવા માટે બાળકને જન્મ આપી બિનવારસી હાલતમાં ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુમડીયા, નવીનગરી વિસ્તારમાં આવેલ કોતર તરફ જવાના રસ્તાની વાડમાં મૂકી ભાગી ગઈ હતી. સોમવારે સવારે બાળકનો રડવાનો અવાજ સાંભળતાં સ્થાનિકો ભેગા થયા હતા. અને ઝાડીમાં જોતા નવજાત શીશુ હતું. આ અંગેની જાણ ઠાસરા પોલીસને કરવામાં આવતાં પોલીસે બાળકનો કબ્જો લઇ પ્રાથમિક સારવાર ડાકોરમાં અપાવી વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બાળકને લાવવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે અજાણી માતા સામે ઈ પી.કો.કલમ-317 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઠાસરા પોલીસ મથકના સી.પો.સબ.ઇન્સ. કે.આર.દરજી તથા સ્ટાફના માણસોએ તપાસ કરતા આધારભુત બાતમીદારથી બાતમી એવી મળી હતી કે આ બાળક શીતલબેન જગદિશભાઇ મનુસિંહ મહિડા (રહે.હેરંજ તા.મહુધા જી.ખેડા) અને હાલમાં તેના પિયર ગુમડીયા તા.ઠાસરામાં રહેતી હોવાનું ઘટસ્ફોટ થયો હતો.

પોલીસે આ મહિલાના ધરે જઈ તપાસ કરતા તેણીએ આ બાળક પોતાનું હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે તેને ઝડપી લઇ આરોપીને કોરોના ટેસ્ટ રીપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે તપાસ કરનાર પીએસાઇ કે આર દરજી એ જણાવ્યું હતું કે આ મહિલા છેલ્લા એક વર્ષથી તેની સાસરીમાં પતિ સાથે ઝઘડો થયો હોય તે પિયરમાં રહેતી હતી અને તેણીને કોઇની સાથે આડા સંબંધ બંધાઈ ગયા હોય આ આડા સંબંધના કારણે તે ગર્ભવતી બની હતી અને પોતાનું પાપ છુપાવવા માટે તેણે આજે પોતાના કૂખે જન્મેલા બાળકને ત્યજી દેવાનો ગુનો કર્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ખેડા-આણંદ જિલ્લામાંથી છેલ્લા થોડા સમયમાં તરછોડેલા બાળકોની સંખ્યા વધતાં ચિંતા જનક બાબત સામે આવી છે. ઠેકઠેકાણે પારણા મૂકાયા છે. તેમ છતાં પણ આવા બનાવો વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...