તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ખેડામાં ગણેશોત્સવને વધાવી લેવા શ્રદ્ઘાળુઓ આતુર

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી માટે ઠેર-ઠેર તૈયારીઓ શરૂ કરી દેવાઈ

ખેડા જિલ્લામાં જન્માષ્ટમી રંગેચંગે ઉજવાયા બાદ હવે ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઇ છે. ગત વર્ષે કોરોનાના કારણે ઉત્સવ મોકૂફ રહ્યો હતો પરંતુ આ વર્ષે નિયંત્રણો સાથે ઉજવવાની છૂટના કારણે જિલ્લાના વિવિધ મંડળો દ્વારા તૈયારીઓના શ્રીગણેશ કરાયા છે. જિલ્લામાં અંદાજીત 125થી વધુ પંડાલ અને પાંચ હજારથી વધુ લોકો ઘરમાં જ વિઘ્નહર્તાની સ્થાપના કરે છે. સાર્વજનિક ગણેશોત્સવમાં 200 જેટલા લોકો એકત્રિત કરી શકવા ઉપરાંત વિસર્જન માટે 15 લોકોની મર્યાદા નક્કી કરાઇ છે.

નડિયાદમાં મંડળોએ મૂર્તિના ઓર્ડર આપ્યા
નડિયાદમાં અલગ- અલગ યુવક મંડળ દ્વારા મૂર્તિ્ના ઓર્ડર આપી દેવાયા છે. વાણીયાવાડના સંસ્કાર યુવક મંડળના સન્ની રાવે જણાવ્યું કે, કોરોના પહેલા ધામધૂમથી ગણેશોત્સવ ઉજવતા પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સરકારી ગાઈડલાઈન જાહેર થઈ છે. જેને ધ્યાનમાં રાખી 4 ફૂટની પ્રતિમાનું સ્થાપન કરાશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરાશે.

સેવાલિયામાં સાદાઈથી ગણેશોત્સવ યોજાશે
ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા ખાતે ચોકડી પર વિજય યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. તેમના આયોજકોએ જણાવ્યું કે, હાલમાં કોઈ આયોજન કર્યુ નથી. આ વર્ષે કોરોનાના કારણે સરકારી ગાઈડલાઈન જાહેર થઈ છે. જેને ધ્યાનમાં રાખી બધાના સહયોગથી સાદાઈથી ગણેશોત્સવની ઉજવણી કરવાનું વિચાર્યું છે.

ખેડામાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરાશે
ખેડાના વાવવાળા ફળિયામાં સ્થાપના કરતા ગણેશ મહોત્સવ યુવક મંડળના આયોજક અને પ્રમુખ મહેન્દ્રભાઈ માલીએ જણાવ્યું કે, અમે છેલ્લા 23 વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે અને આ વર્ષે પણ કરાશે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ 4 ફૂટની ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીશુ. ગણપતિ મહોત્સવ લઈને હાલ અમારા મંડળ દ્વારા તૈયારીઓ ચાલુ છે.

મહુધામાં ગણેશોત્સવની તૈયારીઓ
મહુધાના અંબામાતા વિસ્તાર ખાતે કોરોનાની ગાઇડ લાઇન મુજબ ગણેશોત્સવ ઉજવવામાં આવશે. પરંતુ હાલ કોઇ તૈયારીઓ કરવામાં આવી નથી. વિસ્તારના આગેવાન સાથે વાતચીત કરતા હજુ સુધી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરાયો નથી . 4 ફૂટની મૂર્તિ લેવાની હોવાથી જે-તે સમયે તાત્કાલિક જ મૂર્તિ પસંદ કરીને લાવવામાં આવશે, તેમ જણાવ્યુ હતુ.

માતરમાં મંડળની બેઠક યોજાશે
માતરમાં કાછીયા પટેલ યુવક મંડળ દ્વારા સરકારી ગાઈડ લાઈન પ્રમાણે ગણપતિની સ્થાપના કરીશું. અમે ગણપતિની 4 ફૂટ જેટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીએ છીએ. આ વર્ષે ઉજવણીના ભાગરૂપે અમે મંડળના સભ્યો સાથે બેઠક યોજવાના છે અને પછી મૂર્તિ અને પંડાલ સહિતની તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ ભજન- કિર્તનનું આયોજન કરવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...