પ્રતિબંધિત દોરીનો વેપાર:ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છતાં બેરોકટોક વેપાર, પોલીસે બે બનાવોમાં ત્રણ ઇસમોને ચાઇનીઝ દોરી સાથે ઝડપ્યા

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદના ખાત્રજ પાસે રીક્ષામાં લઈ જવાતા ચાઇનીઝ દોરીના 85 નંગ ફીરકા સાથે બે શખ્સો ઝડપાયા
  • મહેમદાવાદ અને વસો પોલીસે જાહેરનામાના ભંગ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઉત્તરાયણ પર્વ નજીક છે, ત્યારે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન પણ જોરશોરથી ધમધમી રહ્યું છે. આ ચાઇનીઝ દોરી ફક્ત પક્ષીઓ માટે નહી પણ માનવી માટે પણ એટલી જ ઘાતક છે. ખેડા જિલ્લામાં કલેક્ટરે આવી દોરીના વેચાણ તથા વેપલા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે પોલીસની રહેમ નજર હેઠળ જ ઠેર ઠેર આવી દોરીનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. પોલીસે બે બનાવોમાં ત્રણ ઇસમોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ઝડપી લીધા છે. મહેમદાવાદના ખાત્રજ અને વસોમાંથી ઝડપાયેલા બંન્ને ઈસમો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મહેમદાવાદ પોલીસના માણસો ગઈકાલે બુધવારે ખાત્રજ ચોકડી પાસે વાહન ચેકીંગમાં હાજર હતા. આ દરમિયાન નડિયાદ તરફથી આવતી એક CNG રીક્ષાને તેમણે અટકાવી હતી. જેમાં ચાલક અને પાછળ બેઠેલા એક ઈસમનું નામઠામ પૂછતાં બંન્નેએ પોતાના નામ દિપક નરેશ ગુરૂનાણી અને ભાવેશ ભરત જાદવ હોવાનું જણાવ્યું હતું. જેમાં પોલીસે રીક્ષાની તલાસી લેતાં બે પ્લાસ્ટીકના મોટા થેલામાંથી ચાઇનીઝ દોરીના નાના મોટા હાથા વગરના ફીરકા મળી આવ્યા હતા. પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં કુલ 85 નંગ ફીરકા જેની કિંમત રૂપિયા 20 હજાર 500 તથા CNG રિક્ષા મળી કુલ રૂપિયા 60 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપતાં પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ અન્વયે ગુનો નોંધી બન્ને સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય બનાવમાં વસો પોલીસે ગતરોજ વસો બસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી સાથે નોમાન અલ્તાફ વ્હોરાને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના નાના ટેલર સાથે અટકાયત કરી તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...