તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ગણેશમૂર્તિના બુકિંગમાં ઘટાડો, છેલ્લા દિવસોમાં વેચાણની આશા

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગણેશ ચતુર્થીને સપ્તાહ જેટલો સમય બાકી હોવા છતાં એડવાન્સ બુકીંગમાં ઘટાડો જોવા મળ્યો છે. - Divya Bhaskar
ગણેશ ચતુર્થીને સપ્તાહ જેટલો સમય બાકી હોવા છતાં એડવાન્સ બુકીંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
  • કોરોનાકાળ પહેલાના વર્ષોમાં ચતુર્થીના સપ્તાહ પહેલા અઢીસો મૂર્તિનું એડવાન્સ બુકિંગ થતું હતું, આ વર્ષે માત્ર 30 થી 35

કોરોનાના કારણે ગત વર્ષે ગણેશ સ્થાપના પર પ્રતિબંધ લાગી ગયો હતો. આ વર્ષે રાજ્ય સરકારે જાહેર ગણેશોત્સવને આશિંક છૂટછાટ આપી છે. 4 ફૂટની પ્રતિમા અને સાથોસાથ 200 લોકોએ ભેગા થવાની છૂટ મળી છે. ત્યારે ક્યાંક આ નિર્ણયને વધાવી યુવક મંડળો કામે લાગી ગયા છે, તો ક્યાંક હજુ કેવી રીતે આયોજન કરવુ તે અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ગણેશજીની મૂર્તિના એડવાન્સ બુકીંગ પરથી આ વાત સ્પષ્ટ થાય છે. મૂર્તિકારો અને તેના વેચાણકારો સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ છે કે, કોરોનાકાળ પહેલાની સાપેક્ષે આ વર્ષે મૂર્તિઓના એડવાન્સ બુકીંગમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે.

કોરોનાકાળ પહેલાના ગણેશોત્સવ સમયે એક મૂર્તિકાર 300 મૂર્તિ બનાવતો હતો, ત્યારે ગણેશ ચતુર્થીના સપ્તાહ પહેલા 250 જેટલી મૂર્તિઓ તો બુક થઈ જતી હતી. આ વખતે મૂર્તિકારોએ માત્ર 100ની આસપાસ મૂર્તિઓ બનાવી છે, તેમાંથી હજુ સુધી ક્યાંક 30 તો ક્યાંક 35નું બુકીંગ થયુ હોવાનું જણાવ્યુ છે. ગણેશ ચતુર્થીના પર્વને હવે જ્યારે સપ્તાહનો સમય જ બાકી છે, ત્યારે અંતિમ સમયમાં સારી ઘરાકી નીકળશે તેવી અપેક્ષા મૂર્તિકારો અને વેચાણકારો સેવી રહ્યા છે.

2થી 4 ફૂટની મૂર્તિ બનાવી છે, બુકીંગ ઓછુ છે : મૂર્તિકાર
પહેલા ગણેશ ચતુર્થીના પર્વ માટે 8થી 10 ફૂટ અને તેથી મોટી મૂર્તિઓ બનાવતા હતા. જેમાં નફો પણ સારો મળતો હતો. હવે માત્ર એક, દોઢથી બે ફૂટથી ચાર ફૂટ જેટલી મૂર્તિઓ બનાવીએ છે. અગાઉ કરતા બુકીંગ પણ ઓછુ છે. - સખાભાઈ મારવાડી, મૂર્તિકાર

અમદાવાદ અને વડોદરાથી કલાકારો-મજૂરો બોલાવ્યા નથી
કોરોનાકાળ પહેલા મોટી-મોટી મૂર્તિઓ બનતી હતી તે સમયે કારીગરો અને મજૂરોની ખોટ પડતા અમદાવાદ, સુરત અને વડોદરા
સહિતના શહેરોમાંથી કારીગરો અને મજૂરોને બોલાવવામાં આ‌વતા હતા. અત્યારે ઓછી માંગના પગલે ગણતરીના મજૂરોથી કામ ચલાવીએ છીએ. શકય હોય ત્યાં સુધી પરિવારના સભ્યો જ મૂર્તિ બનાવે છે જેથી મજૂરોને આપવા પડતા રૂપિયાની બચત થઇ શકે. - ભારતીબેન વાઘેલા, મૂર્તિકાર

ગાઈડલાઈન મોડી આવતા મૂર્તિ બનાવવાનું મોડું શરૂ કર્યું
પહેલા એક મૂર્તિકારનો પરીવાર 300 અને તેથી વધુ મૂર્તિઓ બનાવતો હતો. જે-તે વિસ્તારોમાં રહેતા મજૂરો અને કારીગરોને રોજગારીની ખોટ ન હતી. હોળીથી જ ગણપતિની મૂર્તિઓનું કામ ચાલુ થઈ જતુ હતુ અને મોટા પ્રમાણમાં મૂર્તિઓનું નિર્માણ થતુ. આ વર્ષે કોરોનાના કારણે સરકારે મૂર્તિ અંગેની ગાઈડલાઈન મોડી જાહેર કરતા વિઘ્નેશ્વરની મૂર્તિઓ બનાવવાનું કામ મોડુ શરૂ કરાયુ છે. પરીણામે ઓછી મૂર્તિઓ બનાવી છે. - કમલેશ વાઘેલા, મૂર્તિકાર

રાત્રે જાગીને મૂર્તિઓ બનાવી રહ્યા છે, ઘરાકીની અપેક્ષા છે
ખૂબ ટુંકા ગાળાના અરસામાં ગાઈડલાઈન જાહેર થઈ છે. હવે અંતિમ સમયે મૂર્તિઓ બનાવવાનો વખત આવ્યો છે. રાત્રે જાગીને મૂર્તિ બનાવી રહ્યા છે. એડવાન્સ બુકિંગ ખૂબજ ઓછું થયું છે. પરંતુ ગણેશ ચતુર્થી પહેલાના બે-ત્રણ દિવસ દરમિયાન ઘરાકી નીકળશે તેવી અપેક્ષા છે. અત્યારે તો જે કાયમી ગ્રાહક હતા, તેઓ પોતાની પસંદની મૂર્તિઓ બનાવવા ઓર્ડર આપી રહ્યા છે, અગાઉ જે છુટક વેચાણ થતું હતું તે આ વર્ષે ખૂબજ નહિવત છે. - વિરાભાઈ મારવાડી, મૂર્તિકાર

અન્ય સમાચારો પણ છે...