રિમાન્ડ મંજૂર:સેવાલીયા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ પ્રકરણમાં ઝડપાયેલા ઈસમના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા, અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલ આરોપી - Divya Bhaskar
ઝડપાયેલ આરોપી
  • આ ઈંગ્લિશ દારૂનો જથ્થો હરિયાણાના રોહકતથી લાવી રાજકોટ લઈ જવાતો હોવાનો ઘટસ્ફોટ
  • સેવાલીયા પોલીસની ટીમ આવતીકાલે હરિયાણા જવા રવાના થશે
  • પોલીસે કુલ રૂપિયા 7 લાખ 76 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
  • વાહન ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ ક્લિનર ઝડપાઈ ગયો હતો

23 નવેમ્બરને મંગળવારની રાતે ખેડા જિલ્લાના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સેવાલીયા ચેકપોસ્ટ પાસેથી પોલીસે ઉત્તરપ્રદેશના પાર્સિંગ વાળી આઈસર ટ્રકમાંથી લાખોની કિંમતના ઈંગ્લિશ દારૂની પેટીઓ કબ્જે કરી હતી. જો કે આ બનાવમાં વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અને ક્લિનર પોલીસના જાપ્તામાં આવી ગયો હતો. પોલીસે રૂપિયા 5.63 લાખનો વિદેશી દારૂ મળીને કુલ રૂપિયા 7 લાખ 76 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એની સાથે જ ઝડપાયેલા ઈસમને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો, જેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

ખેડા જિલ્લામાંથી અમદાવાદ-ઈન્દોરને જોડતા હાઇવે પરથી સેવાલીયાના મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી મંગળવારની રાત્રે ગોધરા તરફથી આવતી આઇસર ટ્રક નં. UP 14 GT 2759ને શંકાના આધારે સેવાલીયા પોલીસે અટકાવી હતી. જો કે પોલીસ આ આઈસર સુધી પહોંચે તે પહેલાં જ ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે ટ્રકનો ક્લિનર ભાગવા જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

પોલીસે આઈસર ટ્રકની તપાસ આદરતાં તેમાં તાડપત્રી ઊંચી કરી જોતાં ચણાના ભૂંસા ભરેલી સફેદ કલરની બોરીઓ હતી. જેને ઉથલાવી તપાસ કરતાં નીચેથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં અલગ-અલગ માર્કાની 2136 બોટલો મળી કુલ રૂપિયા 5 લાખ 63 હજાર 400નો ઈંગ્લિશ દારૂ કબ્જે કર્યો હતો.

પોલીસે બનાવમાં પકડાયેલા ક્લિનર મંજીત રાધેશ્યામ પ્યારેલાલ ધાનક સાથે ઉપરોક્ત રૂપિયા 6 હજાર 500ની કિંમતના ચણાના ભૂંસા ભરેલા 65 કટ્ટાઓ તથા એક મોબાઇલ ફોન સહિત આઈસર ટ્રક મળીને કુલ રૂપિયા 7 લાખ 76 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઝડપાયેલા આરોપી પાસેથી ફરાર થયેલા ટ્રક ચાલકનું નામ ઠામ પુછતા તેણે આ અંગે તેનું નામ અશોક સતબીરસિંગ યાદવ હોવાનું જણાવ્યું છે. જેથી વધુ પુછપરછના પરિણામે આ દારૂના જથ્થાના પ્રકરણમાં વધુ એક વ્યક્તિનું નામ ખુલવા પામ્યું હતું. તો પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાના રોહકતથી લાવી સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ ખાતે ઉતારવાનો હતો એમ જાણવે મળ્યું હતું. જેનું લોકેશન ત્યાં પહોંચીને આપવામાં આવશે તેવી ક્લિનરે કબૂલાત કરી હતી.

નોંધનીય છે કે પોલીસે આરોપી મંજીત ધાનકને કોર્ટમાં રજૂ કરી આગામી 7 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. પોલીસે 12 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો બીજી બાજુ આ પ્રકરણમાં ખુલેલા અન્ય એક ઈસમના નામને કારણે સેવાલીયા પોલીસની ટીમ આવતીકાલે શુક્રવારે હરિયાણા જવા રવાના થશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...