નડિયાદ રેલવે સ્ટેશને તિરંગો લહેરાયો:નડિયાદ અને ડાકોર રેલવે સ્ટેશને દેવુસિંહ ચૌહાણના હસ્તે 20×30 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

નડિયાદ13 દિવસ પહેલા
  • 100 ફૂટ ઊંચાઈના ધ્વજદંડ પર ફરકાવાયો રાષ્ટ્રધ્વજ
  • રાષ્ટ્રધ્વજને રેલવે સુરક્ષા દળ, ગુજરાત પોલીસના જવાનોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી
  • લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત બને તે ઉદ્દેશ્યથી રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરાયો : દેવુસિંહ ચૌહાણ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ રેલવે સ્ટેશન પર આજે ગુરૂવારે હાઇમાસ્ટ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવે દ્વારા વિવિધ મેજર રેલવે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રધ્વજ સ્મારક સ્થાપિત કરી તે હંમેશા લહેરાતો રહે તે ઉદ્દેશ્યથી ખેડા જિલ્લામાં પણ નડિયાદના રેલવે સ્ટેશન અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રધ્વજ સ્મારકનું આજે લોકાર્પણ કરાયું હતું.

નડિયાદ રેલવે સ્ટેશન પરિસરમાં ઊભા કરાયેલા 100 ફૂટ ઊંચાઈના ધ્વજદંડ પર 20×30 ફૂટના રાષ્ટ્રધ્વજને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ફરકાવ્યો હતો. આજ સમયે ડાકોર રેલવે સ્ટેશન પરિસરમાં પણ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, ડિવિઝનલ રેલવે મેનેજર અમિતકુમાર ગુપ્તા, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ આર.બી.મિત્તલ તેમજ નડિયાદ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અખંડ ભારતના નિર્માણમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તે સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર હાઇમાસ્ટ ફ્લેગ રાષ્ટ્રધ્વજનું સ્મારક સ્થાપિત કરાયું છે, જે કાયમ લહેરાતો રહેશે. નડિયાદ સ્ટેશન પર આવાગમન કરતાં યાત્રિકો ઉપરાંત સામાન્ય જનતામાં રાષ્ટ્રભાવના જાગૃત બને, દેશ પ્રત્યે નિષ્ઠાનો ભાવ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી આ સ્મારક રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરાયો છે. દૂરના અંતરેથી આ રાષ્ટ્રધ્વજ નિહાળી શકાશે, એટલું જ નહીં નડિયાદ સ્ટેશન પરનું આ સુંદર નજરાણું બની રહેશે. ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રધ્વજ સ્મારકને નડિયાદ રેલવે સુરક્ષા દળ, ગુજરાત પોલીસના જવાનો તથા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી. નોંધનીય છે કે નડિયાદ શહેર એ ખેડા સત્યાગ્રહની સાક્ષી પુરવાર કરતું શહેર છે. અહીંયા અનેક સાક્ષરો થઈ ગયા છે તેથી તે સાક્ષરભૂમિ તરીકે પણ ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...