બાળ મજૂરીના દૂષણને ડામ:કરોલીમાં ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા દાહોદના કિશોરને મુક્ત કરાવાયો, ભઠ્ઠા માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 વર્ષિય કિશોરને મુક્ત કરાવી નડિયાદ ચિલ્ડ્રન હોમ ખાતે મુકવામાં આવ્યો
  • શ્રમ અધિકારીની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખેડા જિલ્લામાં બાળ મજૂરીના કિસ્સાઓ વ્યાપક પ્રમાણમાં બની રહ્યા છે. મહેમદાવાદના કરોલીમાં આવેલા એક ઈટના ભઠ્ઠા પર બાળમજૂરી કરતાં એક કિશોરનું રેસ્ક્યુ કરી તેને અહીંયાથી મુક્ત કરવામાં આવ્યો છે. શ્રમ અધિકારીએ આ અંગે ઈટોના ભઠ્ઠાના માલિક સામે કાયદેસરની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી દીધી છે. જ્યારે આ કિશોરને નડિયાદ ચિલ્ડ્રન હોમ ખાતે સોંપવામાં આવ્યો છે. મહેમદાવાદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાળમજૂરી નાબૂદી અન્વયે જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ નડિયાદના આયોજન ટીમ દ્વારા ગત 13 એપ્રિલના રોજ મહેમદાવાદ તાલુકાના કરોલી સીમમાં આવેલ ભારત બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ચાઈલ્ડ લાઈન ખેડા-નડિયાદ તથા સ્થાનિક પોલીસના માણસો પણ‌ હાજર રહ્યા હતા. ઉપરોક્ત ઈંટોના ભઠ્ઠા પરથી બાળ મજૂરી કરતા એક 13 વર્ષિય દાહોદ જિલ્લાના કિશોરને રેસ્ક્યુ કરાઈ અહીંયાથી મુક્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે ઈંટોના ભઠ્ઠાના માલિક અબ્દુલકલામ (રહે. સુશીલા પાર્કની પાછળ, ગોરવા, વડોદરા) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈંટોના ભઠ્ઠામાંથી મુક્ત કરાયેલા કિશોરને ચિલ્ડ્રન હોમ નડિયાદ ખાતે લઈ જવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે આણંદના શ્રમ અધિકારી વાય.જે.ખાગુડાએ મહેમદાવાદ પોલીસ મથકે ઉપરોક્ત બનાવ સંદર્ભે ઈંટોના ભઠ્ઠા માલિક અબ્દુલકલામ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળ મજૂર પ્રતિબંધ અધિનિયમ હેઠળ આઈપીસી 3A, 14(1),(1A) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...