ગાયોએ અડ્ડો જમાવ્યો:નડિયાદ બજારમાંથી હટાવેલી ગાયોનો શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અડીંગો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપ્રેસ-વે તરફના માર્ગ પર સંસ્કારનગર પાસે ગાયોએ અડ્ડો જમાવ્યો

નડિયાદ પાલિકા અને પશુમાલિકો વચ્ચે બેઠક થયા બાદ શહેરના આંતરીક મુખ્ય રસ્તાઓ પરથી ગાયોનો જમાવડો ઓછો થઈ ગયો છે. પરંતુ એક્સપ્રેસ હાઈવે તરફથી નડિયાદમાં પ્રવેશવાના મુખ્ય દ્વારે રખડતા પશુઓએ અડ્ડો જમાવ્યો છે. સંસ્કારનગર સોસાયટી સામે મુખ્ય રોડ પર બંને બાજુ મોટી સંખ્યામાં ગાયોનો અડીંગો નજરે ચઢી રહ્યો છે. તાજેતરમાં નડિયાદ નગરપાલિકામાં પ્રમુખસ્થાને પશુમાલિકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં રખડતા ગાયોના મુદ્દે પ્રમુખે કડક વલણ દાખવ્યુ હતુ અને પશુમાલિકોને સ્પષ્ટ ચેતવણી આપતા શહેરમાંથી રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરવા મદદરૂપ થવા જણાવ્યુ હતુ.

જેના પગલે શહેરના મુખ્ય માર્ગ સમા મીલ રોડ ચોકડીથી સરદાર ભવન થઈ બસ સ્ટેન્ડ અને સંતરામ રોડથી મહાગુજરાત અને વાણીયાવાડ સુધીના માર્ગ પર ગાયોનું પ્રમાણ ઓછુ થયેલુ જોવા મળી રહ્યુ છે. જો કે, બીજીતરફ શહેરમાંથી બહાર જવાના માર્ગ પર હવે રખડતા ઢોરોના કારણે પરિસ્થિતિ વણસેલી જોવા મળી રહી છે.

ડાકોર રોડ પર સંસ્કારનગર પાસે બંને બાજુના મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં ગાયોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ડાકોર, અમદાવાદ, વડોદરા તરફથી આવતા વાહનચાલકો અને અહીં આસપાસ રહેતા સ્થાનિકોને જીવના જોખમે ત્યાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. પાલિકા દ્વારા આ મુદ્દે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...