હત્યાના ગુનામાં આજીવન સજા:ખેડાના ધરોડામાં મિત્રની ધારીયાના ઝાટકે હત્યા કરનારા મિત્રને આજીવન કારાવાસ, નડિયાદ સેસન્સ કોર્ટે આપ્યો ચૂકાદો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસમાં કુલ 20 સાક્ષીઓ અને 29 જેટલા પુરાવાના આધારે કોર્ટે સજા સંભળાવી
  • 6 વર્ષ પૂર્વે નજીવી બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી હતી

ખેડાના ધરોડામાં બે મિત્રો વચ્ચે તેતર પકડવા મુદ્દે ઝગડો થતાં એક મિત્રએ બીજાને ધારિયું મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉપરાંત પુરાવાનો પણ નાસ કરવા મૃતદેહને દાટી દીધી હતો. આ કેસમાં નડિયાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.

ખેડા તાલુકાના ધરોડા ગામે રહેતા ખોડાભાઈ શકરાભાઈ ઠાકોરે 6 વર્ષ પૂર્વે એટલે કે 20 ઓગસ્ટ 2019ના રોજ નજીવી તકરારમાં પોતાના મિત્રનું જ કાસળ કાઢી દીધું હતું. ઉપરોક્ત દિવસે સવારના સાડા દશેક વાગ્યાના સુમારે ખોડાભાઈ અને તેમનો મિત્ર ભરતભાઈ પ્રભાતભાઈ ચુનારા બન્ને ગામમાં આવેલી સીમમાં ગયા હતા. આ બંને મીત્રો ધરોડા સીમમાં વહેરાવાળા ખેતરમાં ગયા હતા. ભરતભાઈ પ્રભાતભાઈ ચુનારા નાઓ પાસે ધારીયુ તથા ગીલોલ હતી. ભરત ખેતરમાં ગાંડા બાવળની ઝાડીમાં ફરતા સસલા તથા તેતરને ગીલોલ વળે પથ્થર મારી શીકાર કરવા લાગ્યો હતો. જેથી મિત્ર ખોડાભાઇએ આમ કરવાની ના પાડી ઠપકો આપતા બંન્ને મિત્રો વચ્ચે ચકમક થઈ હતી.

આ રકજક ઝઘડામાં ફેરવાતાં ભરત ઉશ્કેરાઈ જઈ ખોડાભાઇને મારવા જતા ખોડાભાઈએ ભરતના હાથમાંનું ધારીયું છીનવી લઈ ભરતભાઈને ધારીયાનો ઝટકો માર્યો હતો. જેથી ભરત એકદમ નીચે નમી જતા માથાના પાછળના ભાગે ડાબી બાજુ ધારીયાનો ઝટકો વાગી ગયો હતો. આથી ગંભીર ઈજાઓ થતાં ભરતનું મોત નીપજ્યું હતું. જેથી ખોડાભાઇ ગભરાઈ ગયા હતા. આથી ભરતના મૃતદેહને ગામના કાભઈભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરના ખેતરમાં લીમડાના ઝાડે નીચે ખાડો ખોદી જમીનમાં ઉંધી અડઘી દાટી પુરાવાનો નાશ કરી ભાગી ગયો હતો.

આ અંગે મૃતકની નીરૂબેન ચુનારાએ ખેડા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ઈપીકો કલમ 302, 201 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આ સમયે આરોપી ગામ છોડી ભાગી ગયેલો હતો. લાંબા 4 વર્ષ બાદ આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જેથી પોલીસ તપાસ બાદ આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો હોવાથી નડિયાદની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

બુધવારે આ કેસ નડિયાદના સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદાએ બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. જે બાદ સ૨કારી વકીલ ગોપાલ વી. ઠાકુરે કુલ 20 સાક્ષીઓ તથા 29થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી. આથી કોર્ટે આરોપી ખોડાભાઈ શકરાભાઈ ઠાકોરને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદની સજા ભોગવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...