જામીન અરજી ના મંજૂર:મહેમદાવાદના રોહિસામાં કરીયાણા અને કટલરીની દુકાન સળગાવનાર ચાર શખ્સોની જામીન અરજી કોર્ટે નકારી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બરમાં ચાર શખ્સોએ ગામમાં આવેલી દુકાનને આગ ચાપી હતી

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસાના ચાર શખ્સોએ ડિસેમ્બર માસમાં ગામમાં આવેલી એક દુકાન સળગાવવાની ધમકી આપી રાત્રે દુકાનને આગ ચાપી ભાગી ગયા હતા. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ બનાવમાં ચાર શખ્સો પકડી પાડયા હતા. આરોપીઓએ જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી છે. મહેમદાવાદ તાલુકાના રોહિસા ગામે રહેતા દાડમબેન વિનુભાઈ ચૌહાણ પોતાના મકાનને અડીને કરીયાણાની અને કટલરી દુકાન ચલાવે છે. ગત 22મી ડિસેમ્બરના રોજ અગીયાર વાગ્યાના અરસામાં તેઓની આ દુકાનમાં આગ લાગી હતી. જેના કારણે દુકાનનો સરસામાન સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘરના સામેના ફળિયામાં રહેતા ભુરા મહીજીભાઈ પરમાર, વિજય રમેશ પરમાર, સંજય ડાહ્યાભાઈ પરમાર અને દિલીપ મનુભાઈ પરમારે ભેગા મળીને દુકાન સળગાવી દીધી હોવાની ફરિયાદ દાડમબેન ચૌહાણે મહેમદાવાદ પોલીસમાં આપી હતી.

પોલીસે ગુનો નોંધી આઈપીસી 436, 504, 506(1), 114 મુજબ ગુનો નોંધી આ ચારની ધરપકડ કરી હતી. તેમણે જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી જે સરકારી વકીલ ઉમેશ ઢગટની દલીલ માન્ય રાખી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...