તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ પાલિકા ભ્રષ્ટાચાર મામલો:25 લાખનું ભ્રષ્ટાચારના કરાર સામે આવ્યાં, ત્રણમાંથી બે આરોપી વર્ષોથી કરાર આધારિત કર્મચારી, મોટા માથાઓને બચાવવાની ફીરાક?

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ પાલિકાના ટેક્ષચોરી કૌભાંડના આરોપીઓને નડિયાદ કોર્ટમાં રજુ કરાયા હતા. - Divya Bhaskar
નડિયાદ પાલિકાના ટેક્ષચોરી કૌભાંડના આરોપીઓને નડિયાદ કોર્ટમાં રજુ કરાયા હતા.

નડિયાદ નગર પાલિકાનું ટેક્સ ચોરી કૌભાંડ ત્રણ આરોપીઓની ધરપકડ બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ગત નવેમ્બર મહિનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 7 મહિને આરોપીઓની ધરપકડ થઈ છે. જે બતાવે છે કે સમગ્ર કૌભાંડમાં તટસ્થ તપાસ થાય તો ઘણા મોટા માથાના નામ બહાર આવી શકે તેમ છે. કૌભાંડનો આરોપ જેના પર લાગ્યો છે તે ત્રણે આરોપીઓને આજે સોમવારે અદાલતમાં રજૂ કરાતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હાલ 25 લાખ રૂપિયાનું બહાર આવ્યું છે પણ તપાસમાં આંકડો વધવાની સંભાવના છે.

નગરપાલિકાના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ટેક્સ ચોરી કૌભાંડમાં ઝડપાયેલા ત્રણે આરોપી ઓ નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવે છે. આરોપી કાસમભાઇ મૌલવી છેલ્લા 20 વર્ષથી નગરપાલિકા ટેક્સ વિભાગમાં નોકરી કરતા હતા. જેની મુખ્ય કામગીરી ટેક્સ રિકવરીની હતી. તેઓ 2019માં રિટાયર્ડ થયા બાદ આઉટ સોર્સિંગથી કરાર આધારિત કર્મચારી તરીકે ફરી નોકરીમાં જોડાયા હતા. અન્ય આરોપી અનીલ અંબુભાઇ ઠાકોર નગર પાલિકાના કાયમી કર્મચારી છે.

જેઓ 20 વર્ષથી નગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે. જેઓ ને ક્યારેક સેનેટરી વિભાગ તો ક્યારેક ટેક્સ વિભાગમાં સિફ્ટ કરવામાં આવતા હતા. જ્યારે મહિલા આરોપી સુનીતા મિસ્ત્રી 12 વર્ષથી નગરપાલિકા ટેક્સ વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. નોધનીય બાબત તો એ છે કે સુનીતાબેન 11 માસના કરાર આધારીત કર્મચારી હોવા છતાં આટલા લાંબા સમયથી ટેક્સ વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જે નડિયાદ પાલિકામાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનો મોટો પુરાવો છે. ટેક્સ કૌભાડમાં ત્રણેય આરોપીઓએ ટેક્સના નાણાની એન્ટ્રીઓ ખોટી કરી હોવાની કબૂલાત અગાઉ કરેલ છે. ત્યારે આ 3 એ આરોપીઓની પૂછપરછમાં પોલીસ શું વધારે વિગતો બહાર કાઢે છે તે જોવું રહ્યું.

પ્રોપર્ટી ટેક્ષની રકમ ઓછી બતાવી કૌભાંડ કરાતું હતું
વર્ષ 2018 થી 2020 દરમિયાન રૂ.25 લાખનું ટેક્સ કૌભાંડ થયાની ફરિયાદ નોંધાઇ છે. પાલિકા સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સમગ્ર કૌભાંડ કંઇક આ પ્રકારે થતુ હતુ. દાખલા તરીકે... એક વ્યક્તિનો રૂ.25 હજારનો અગાઉનો ટેક્સ બાકી છે. અને તે ચાલુ વર્ષનો રૂ.5 હજારનો ટેક્સ ભરવા આવે, ત્યારે આ કર્મચારીઓ ચાલુ વર્ષના રૂ.5 હજાર અને અગાઉના બાકી રૂ.25 હજારના બાકી ટેક્સ પેટે 50 ટકા રકમ લઈ લેતા. જે રકમ કર્મચારીઓના ખિસ્સામાં જતી હતી. અને જુની એન્ટ્રી કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી દેવામાં આવતી હતી. જે બાદ ચાલુ વર્ષેના ટેક્સ ચોપડે જમા લઇ, નો-ડ્યુની પાવતી આપી દેવાતી હતી.

નગર પાલિકાનાં પ્રમુખે સમગ્ર આર્થિક કૌભાંડની જાણકારી ચીફ ઓફિસરને આપી હતી
નડિયાદ નગર પાલિકામાં ટેક્ષની કામગીરી ટેક્ષ સુપ્રિટેન્ડન્ટ હસ્તક આવે છે. જ્યાં મયંકભાઇ દેસાઇ ટેક્ષ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. 2020માં સમગ્ર બાબત નગરપાલિકા પ્રમુખ દિપિકાબેન સંજયભાઈ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ અને ચીફ ઓફિસરને આ બાબતનું ધ્યાન દોર્યું હતું. જેની તપાસ કરતા ટેક્સ વિભાગના જ 3 કર્મચારીઓ આયોજન બધ્ધ કૌભાંડ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી ચીફ ઓફિસરે આદેશ કરતા ટેક્સ સુપ્રિ. પોલીસ ફરિયાદ નોધાવી હતી.

ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ગઇકાલ રવિવારના રોજ પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કર્યા બાદ સોમવારે મોડી સાંજે આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી ઓના 7 દિવસના રિમાન્ડ માટે માંગણી કરી હતી. જેની સામે કોર્ટે આરોપીના 01 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ કયા કયા મોટા માથાઓની ટેક્સની એન્ટ્રી ડિલિટ કરી છે, તેની તપાસ થાય તો કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...