ચરોતરવાસીઓ સાવધાન:ખેડા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો, વિદેશથી આવેલા 5 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી

ખેડા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. મંગળવારે નડીયાદ, વસો અને પીપલગમાં મળી કુલ 5 વ્યક્તિઓ કોરોનામાં સપડાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મહત્વની બાબત એ છે કે આ 5 વ્યક્તિઓ પરદેશથી આવ્યા છે.

ખેડા જિલ્લામાં પ્રજા કોરોના પ્રત્યે બેધ્યાન બની સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કને નેવે મુકી દીધું છે. ચૂંટણીમાં તો આ બાબતો સંપૂર્ણ પણે ભુલાઈ ગઈ હોવાનો ચિતાર જોવા મળી રહ્યો છે. જેના કારણે દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. મંગળવારે વધુ પાંચ દર્દીઓ કોરોનામાં સપડાયા છે. જેમાં પીપલગ ગામના 35 વર્ષીય મહિલા 38 વર્ષીય પુરુષને અને 10 વર્ષીય બાળકીનો સમાવેશ થાય છે. આ ત્રણેયને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નડિયાદના પીજ રોડ પર એક અને વસોમાં એક દર્દીઓ મળી કુલ 5 વ્યક્તિઓ છેલ્લા 24 કલાકમાં કોરોનામાં સપડાયા છે.

જિલ્લા આરોગ્ય અધિકારીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર નડિયાદના પીપલગ ગામના ત્રણ અને વસોના એક એમ ચાર દર્દીઓ UKથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં તેમનું રિપોર્ટ ચેક થતાં તેમને કોરોના પોઝિટિવ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જેથી ત્યાંથી સ્પેશ્યલ એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ લોકો તેમના ગામમાં ગયા નથી અને સગા સંબંધીઓના સંપર્કમાં પણ આવ્યા નથી જેથી તંત્રે રાહત અનુભવી છે. જોકે નડિયાદમાં આવેલ એક યુવક 5 દિવસ પહેલા વિદેશથી આવ્યો હોય તેને કોરોના લાગુ પડેલ છે. તેના સંપર્કમાં આવેલા લોકોના પણ આરોગ્ય તંત્રએ રિપોર્ટ લેવાની કામગીરી હાથ ધરી છે. આમ સમગ્ર જિલ્લામાં અત્યારે એક્ટીવ કેસોની સંખ્યા 9 પર પહોંચી છે. જો આમને આમ રહેશે તો આવનાર એક સપ્તાહમાંજ એક ફીગરમાં નોંધાતો આંક બે ફીગરમાં નોંધાશે તેથી ચરોતર વાસીઓ સાવધાન રહો.

અન્ય સમાચારો પણ છે...