રજૂઆત:ખેડા જિલ્લામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાનુ ભરવાડની ધરપકડ, ગણેશ ચોકડીના દબાણો હટાવવા માટે ધારાસભ્યની રજૂઆત
  • દાદાના મુવાડા ગામ સંદર્ભે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહીની માંગ ઉઠી

ખેડા જિલ્લામાં આજે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર, વિભાગીય વડાઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરાઈ. મહુધાના ધારાસભ્ય દ્વારા જિલ્લાના ચકચારીત કિસ્સા સંદર્ભે રજૂઆત કરી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે લેન્ડ ગ્રેબિંગના આરોપી અને કુખ્યાત ભુમાફીયા ભાનુ ભરવાડની ધરપકડ ન થવા મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ભુમાફીયાની ધરપકડ ક્યારે થશે અને બીજી કાર્યવાહી થશે કે કેમ? ઉપરાંત ગણેશ ચોકડી પર બાકી રહેલુ દબાણ ક્યારે તોડવામાં આવશે? તે મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, નાનુ દબાણ તોડવા માટે અધિકારીઓ જાતે જતા હોય તો આ દબાણ ક્યારે તોડાશે? વળી, માજી સૈનિકને તેના ભરણ-પોષણ માટે કમળા ગામે સરકાર દ્વારા જમીન અપાઈ હતી. આ જમીન માજી સૈનિક દ્વારા ખોટી રીતે વેચી મારવામાં આવી હોવાનું પણ જણાવ્યુ હતુ.

સરકારને અંધારામાં રાખી જમીન પરત આપવાને બદલે નાણાંકીય હિત ઉભુ કરવા બદલ તેમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે માગ કરી હતી. સંકલન સમિતિમાં કપડવંજના ધારાસભ્ય દ્વારા દાદાના મુવાડા ગામને બારોબાર દસ્તાવેજ કરી લેવા બાબતે પ્રશ્ન પૂછ્યો હતો, તેમજ તાત્કાલિક ગામના લોકોને અંધારામાં રાખી ખોટા પુરાવા ઉભા કરી દસ્તાવેજ કરી લેવામાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવાના સૂર છેડાયા હતા.

એસ.ટી. અને મરીડા રોડના મુદ્દે રજૂઆત
સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા એસ. ટી.ની ઓછી ટ્રીપોના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડતી હોવાની રજૂઆત કરાઈ હતી. તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે ચોક્કસ રૂટ ફા‌ળવાય તેવી માગ કરી હતી. ઉપરાંત સોશિયલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી અને મરીડા ભાગોળ‌ થઈ ચકલાસી ભાગોળ જતો રોડ 14 વર્ષ પહેલા બનાવ્યા પછી અત્યાર સુધી ન બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...