વિવાદ:નડિયાદમાં પાલિકાના કર્મીએ રોડ ખોદી ગેરકાયદે ગટરનું કનેક્શન જોડી દેતા વિવાદ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વૉર્ડ નંબર 11માં આવેલી વિજયપાર્ક સોસાયટીમાં પાલિકાના કર્મી દ્વારા ગેરકાયદે પાલિકાની ડ્રેનેજ લાઈન સાથે જોડી દેતા વિવાદ સર્જાયો છે. - Divya Bhaskar
વૉર્ડ નંબર 11માં આવેલી વિજયપાર્ક સોસાયટીમાં પાલિકાના કર્મી દ્વારા ગેરકાયદે પાલિકાની ડ્રેનેજ લાઈન સાથે જોડી દેતા વિવાદ સર્જાયો છે.
  • સ્થાનિક કાઉન્સિલરે નુકસાન કરનારા લોકો સામે કાર્યવાહી કરવા ચીફ ઓફીસરને રજૂઆત કરી

નડિયાદ વૉર્ડ નંબર 11માં આવેલી વિજયપાર્ક સોસાયટીમાં નગરપાલિકાના કર્મચારીએ જ નિયમોનો ભંગ કરી ગટર કનેક્શન જોડી દેતા વિવાદ ઉઠ્યો છે. ન.પાલિકાના જૂના કર્મીએ રાતોરાત સોસાયટીનો આંતરીક અને સોસાયટીની બહારનો જાહેર માર્ગ તોડી પોતાના ઘરનું ગટર કનેક્શન પાલિકાની મુખ્ય લાઈનમાં આપી દીધુ છે. એટલુ જ નહીં, પણ આ કનેક્શન જોડવા સરકારી મશીનરી વપરાઈ હોવાનો ગણગણાટ પાલિકાના પટ્ટાંગણમાં ચાલી રહ્યો છે.

નડિયાદ પાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા કશીભાઈ પાર્ક નજીક આવેલી વિજયપાર્ક સોસા.માં ઘર લીધુ હતુ. ત્યારબાદ છેલ્લા બે-ત્રણ દિવસમાં નગરપાલિકાને સંજ્ઞાનમાં લીધા વિના કે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર જ પોતાના ઘરમાંથી ગટર લાઈન નગરપાલિકાની ગટરલાઈનમાં જોડી દીધી છે. તેમાંય વિજય પાર્કમાં એકાદ વર્ષ પહેલા જ બનાવેલા સીસી રસ્તાને કોઈપણ જાતની મંજૂરી વગર તોડી નાખ્યો છે.

એટલુ જ નહીં, કનેક્શન મુખ્ય લાઈન સુધી પહોંચાડવા માટે વિજય પાર્ક સોસાયટીની બહાર આવેલો ટી.પી.નો મુખ્ય ડામર રસ્તો પણ ખોદી નાખી કનેક્શનના ભૂંગળા નાખી ઉપર માટી ઠાલવી દીધી છે. આ મામલે નવાનકોર બે રોડ વર્ષના જ સમયગાળામાં તોડી નાખતા રહીશોએ સ્થાનિક ભાજપી કાઉન્સિલર અને પ્રદેશ ભાજપના સભ્ય સંજયભાઈ પટેલને જાણ કરી હતી. જેથી સંજયભાઈ પટેલે આ સમગ્ર મામલે ચીફ ઓફીસરને રજૂઆત કરી કાયદેસરના પગલા લેવા માટે જણાવ્યુ છે.

નાગરીકો કનેક્શન લેવા હોય તો નાણાં ભરે છે
શહેરના સામાન્ય નાગરીક ગટરના કનેક્શન લેવા અરજીઓ કરી પૈસા ભરતા હોય છે, તો પછી વિજયપાર્કમાં પાલિકાની પૂર્વ મંજૂરી વગર ગટરમાં કનેક્શન જોડી દેવાયુ? રોડ બનાવતા સમયે જ સોસાયટીના રહીશોને તમામ કાઉન્સિલરોએ ગટર કનેક્શન બાબતે પૂછ્યુ હતુ, પરંતુ ખારકુવા હોવાથી કોઈએ કનેક્શન લીધુ ન હતુ. ત્યારે હવે પાલિકાની મંજૂરી વગર લાખો રૂપિયાનો રોડ કેવી રીતે ખોદી નખાયો? આ અંગે ચીફ ઓફીસરને રજૂઆત કરી છે. : > સંજયભાઈ પટેલ, કાઉન્સિલર, વૉર્ડ નં.11

અમારા એન્જીનિયરને ખબર હોય
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશભાઈ હુદળનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, અમારા એન્જીનિયરને ખબર હોય, તેમની સાથે વાત કરો. આ બાબતે નગરપાલિકાના મુખ્ય એન્જીનિયર ચંદ્રેશભાઈ ગાંધીનો સંપર્ક કરતા તેમણે ફોન રીસીવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...