નડિયાદ નગરપાલિકા ભવનની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી પાલિકા હસ્તકની જ બે દુકાનોમાં મોડી રાત્રે ગેરકાયદેસર બાંધકામ કરવા માટે ભાડુઆત દ્વારા ભાંજઘડ ચાલી રહી હતી. પૂર્વ આયોજન સાથે ભાડુઆત પ્રકાશભાઈ પારવાણી દ્વારા બંને દુકાનોની પાસે ખાલી પડેલા કમ્પાઉન્ડમાં દુકાનોનો સ્લેબ ભરવાના હેતુથી આગલા દિવસે જ સામાન ઉતારી દેવાયો હતો. ત્યારબાદ 14 તારીખના રાત્રિના સુમારે 12:30 કલાકે ત્યાં મજૂરો અને મશીનો લાવી રાતોરાત સ્લેબ ભરવાનું શરૂ કરી દેવાયુ હતુ. નડિયાદ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને આ બાંધકામ રાત્રિના સમયે થશે, તેની ભણક હતી.
તેના કારણે અડધો સ્લેબ ભરાઈ ગયા પછી પાલિકાના અધિકારીઓએ ખાનગી ઓપરેશન હાથ ધરી મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં સ્થળ પર દરોડા પાડ્યા હતા. જ્યાં ગેરકાયદે થઈ રહેલા બાંધકામને રોકાવ્યુ હતુ. આ સમયે મજૂરોમાં દોડધામ મચી હતી. મજૂરો અને કોન્ટ્રાક્ટર પોતાના મશીન લઈ ચાલતી પકડી હતી. પરંતુ સ્થળ પર અન્ય સામાન પડી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાલિકાની પૂર્વ મંજૂરી વિના રીનોવેશન કરવાની જાણ થતા જ પાલિકા દ્વારા ભાડુઆત પ્રકાશ પારવાણીને નોટીસ ફટકારવામાં આવી હતી.
20 ટકા સ્લેબ ભરી દીધો, કામ બંધ રહેતા દુકાનની બાજુમાંથી બીજા દિવસે સામાન ભરી ગયા
આ મામલે મોડી રાત્રે કામ શરૂ કરી દીધા બાદ ભાડુઆત પ્રકાશભાઈ પારવાણીએ દુકાન પર સ્લેબ ભરવાનું 20 ટકા કામ પૂર્ણ કરી દીધુ હતુ. પરંતુ ટાઉન પ્લાનિંગ અધિકારીએ તેમના રાત્રિના સ્વપ્ન પર પાણી ફેરવી દીધા બાદ તેઓ બીજા દિવસે દુકાનની બાજુમાં કમ્પાઉન્ડમાં નાખેલો તમામ સામાન ભરી ગયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.