સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા:મંજૂરી વિના ફિલ્મનું શૂટીંગ કરનારા બે સામે ફરિયાદ, ટોળું ભેગુ કરી જાહેરનામાનો ભંગ કર્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકાના ડાકોર-ઉમરેઠ રોડ પર ખુલ્લાં ખેતરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવી સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા વગર પિક્ચરનું શૂટીંગ કરવા બદલ સનાદરા અને અંઘાડીના બે શખસ વિરૂધ્ધ ડાકોર પોલીસે કોવિડ-2019ના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

ડાકોર પોલીસમથકના હેડકોન્સ્ટેબલ શંકરભાઇ પરસોત્તમભાઇ સોલંકી તથા કોન્સ્ટેબલ ગોવિંદસિંહ જશવંતસિંહ સહિતના ગળતેશ્વરના ડાકોર-ઉમરેઠ રોડ પર પેટ્રોલિંગમાં હતા. ત્યારે આદર્શ હોટેલની સામે ખુલ્લા ખેતરમાં જહીરમીંયા અહેમદમીંયા મલેક (રહે.સનાદરા, તા.ગળતેશ્વર) તથા લક્ષ્મણ દુધાભાઇ રોહીત (રહે.અંઘાડી, નેપાલપુરા, નવું રોહીતવાસ, તા.ગળતેશ્વર) કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી-મંજૂરી વગર સોશિયલ ડિસ્ટન્સિંગ નહી જાળવી લોકોનું ટોળું ભેગું કરી શોર્ટ ફિલ્મ-પિક્ચરનું શૂટીંગ કરતાં હોઇ અને કોવિડ-19 જાહેરનામાનો ભંગ કરતાં જણાયા હતા. પોલીસે બન્ને શખસની અટકાયત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે તપાસનીશ હેડકોન્સ્ટેબલ શંકરભાઇ સોલંકીએ જણાવ્યું કે, બન્ને શખસ યુ ટ્યૂબ પર મુકવાની શોર્ટ ફિલ્મનું શૂટીંગ ઉતારવાનું શરૂ કર્યું હતુ અને પોલીસે પિક્ચરનું શૂટીંગ બંધ કરાવી દીધું હતુ અને બન્ને શખસ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...