નડિયાદમાં દહેજની માંગણી કરનારા પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાનગર ખાતે સોહમનગર સોસાયટીમાં પોતાના પિતા ચંદુભાઈ જશુભાઈ તળપદા સાથે રહેતી તેમની દિકરી જાગૃતિબેનના વર્ષ 2013માં નડિયાદ પવનચક્કી રોડ પર કારમેલ સોસાયટીમાં રહેતા અશોકભાઈ વૈદ્યના દિકરા નિરંજન વૈદ્ય સાથે લગ્ન થયા હતા. લગ્નના 2 વર્ષ સાસરિયાઓએ જાગૃતિ સાથે સારુ રાખ્યા બાદ તેને પિયરમાં જવા દેતા ન હતા. તેમજ તેને નાની-નાની બાબતોમાં વાંક કાઢી માનસિક ત્રાસ આપતા હતા.
નિરંજનના ફોન પર અજાણી છોકરીનો ફોન આવતા તે અંગે પૂછતા જાગૃતિ સાથે બોલાચાલી કરી હતી. પરંતુ પોતાનો ઘર સંસાર વિખેરાઈ નહી, તે માટે જાગૃતિ બધુ સહન કરી સાસરીમાં રહેતી હતી. ત્યારબાદ જાગૃતિને દિકરાનો જન્મ થયો હતો. જેથી જીયાણા માટે પોતાના પિયરમાં જતા તેના પતિએ તેને કહ્યુ હતુ કે, હવે મારે તને રાખવી નથી. તારા પિયરવાળાએ આજદીન સુધી કંઈ આપ્યુ નથી. તારો બાપ ભિખારી છે. જાગૃતિએ આણંદ કોર્ટમાં ભરણપોષણનો કેસ મૂકતા ખોરાકી બંધાઈ હતી.
બાદમાં નિરંજને નડિયાદ કોર્ટમાં કેસ કરી, સમાજના આગેવાનો મારફતે સમાધાન કરવાની વાત કરી હતી. તેમજ સમાજ થકી સમાધાન કરી 2018માં જાગૃતિને ઘરે લઈ ગયો હતો. આટલે ન અટકતા નિરંજને ફરીથી જાગૃતિને કહ્યુ હતુ કે, તારે અહીંયા રહેવુ હોય તો મારે જમીન અને ગાડી લેવી છે, તો તારા પિયરમાંથી 7 લાખ રૂપિયા લઈ આવ. જો ના લાવે તો બંને મા-દિકરાને રાખવા નથી. જેથી જાગૃતિએ આ અંગે નડિયાદ મહિલા પોલીસ મથકે પતિ નિરંજન, સસરા અશોકભાઈ વૈદ્ય, સાસુ કૈલાશબેન વૈદ્ય અને નણંદ મનિષાબેન સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.