તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનાહીત કાવતરુ:મહેમદાવાદમાં જમીન હડપ કરવા ખોટું પેઢીનામું બનાવનારા પાંચ સામે ફરિયાદ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડીલો પાર્જીત જમીનમાં વારસાદરમાંથી નામ કમી કરાવવા મરણનો ખોટો દાખલો ઉભો કર્યો

મહેમદાવાદના બાર મુવાડા તાબે વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરાવી નાખવા માટે ગુનાહીત કાવતરુ રચનારા અને તેમા ભાગ ભજવનાર 5 સામે ફરિયાદ નોંધાઈ છે. રેકર્ડ પરથી નામ હટાવવા માટે પંચાયતમાં મરણની ખોટી નોંધ કરાવી મરણનો ખોટો દાખલો મેળવી ખોટુ પેઢીનામુ બનાવી રેવન્યુ રેકર્ડમાં ખોટી એન્ટ્રી કરાવી હતી, જે બાબતે કલેક્ટર કચેરી ખાતે તકેદારી સમિતિમાં અરજી કરતા આ મામલે ફરિયાદ નોંધવા આદેશ થયા હતા.

મહેમદાવાદના બાર મુવાડા તાબે આવેલા પથાવતમાં બાલુબેન વજાભાઈ ઝાલાની 5 વીઘા જેટલી વડીલો પાર્જીત જમીન આવેલી છે. બાલુબેનનું 9 એપ્રિલ, 2014ના રોજ રતનપુર ખાતે મૃત્યુ થયુ હતુ. જેની 9 તારીખની મરણનોંધ રતનપુર પંચાયતમાં કરાવાઈ હતી. 2019માં બાલુબેનના કુટુંબી ભાઈ સોમાભાઈ ઝાલા દ્વારા બાલુબેનના દિકરી તેજુબેનને જાણ કરાઈ હતી કે, રમેશભાઈ ગોતાભાઈ ઝાલાએ વારસાઈ કરાવી છે, જેમાં તમારા બાનું નામ નીકળી ગયુ છે.

આ અંગે પથાવત ગ્રામ પંચાયતમાં તપાસ કરતા જન્મ-મરણના રજીસ્ટરમાં 8/9/2014ના રોજ દોલતસિંહ ઝાલાએ બાલુબેનના મૃત્યુની નોંધ કરાવી હોવાનું જણાયુ હતુ. તેમજ મામલતદાર કચેરીમાં તપાસ કરતા રમેશભાઈ ગોતાભાઈ ઝાલા દ્વારા એફીડેવીટ કરી પંચો તરીકે શંકાભાઈ ઝાલા, દિલીપભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ઝાલા ત્રણેયની સહી લઈ પંચક્યાસ કરી બાલુબેન વજાભાઈ ઝાલા 8/9/20214ના રોજ અપરણિત/નિર્વંશ મૃત્યુ પામ્યા હોવાનું પેઢીનામુ તૈયાર કરાવી ગુનાહીત કૃત્ય કર્યુ હતુ. ખોટો મરણ દાખલો મેળવી ખોટા પુરાવા ઉભા કરી વારસાઈ કરાવી જમીનના રેવન્યુ રેકર્ડમાંથી બાલુબેનનું નામ કાઢી નખાવ્યુ હતુ.

તેમજ મહેમદાવાદ મામલતદાર કચેરીમાં તેની ખોટી એન્ટ્રી કરાવી હતી. આ મુદ્દે તેજુબેન દ્વારા વકીલ મારફતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તકેદારી સમિતિમાં અરજી કરાતા તપાસ કર્યા બાદ આ અંગે ફરિયાદ નોંધાવવા માટે હુકમ કરાયો છે. જેથી તેજુબેન દ્વારા રમેશભાઈ ઝાલા, શંકાભાઈ ઝાલા, દિલીપભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ઝાલા અને દોલતસિંહ ઝાલા વિરુદ્ધ મહેમદાવાદ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...