લેન્ડ ગ્રેબિંગ:ખેડાના વાસણા બુઝર્ગમાં પોણા બે વિઘા જમીન પચાવી પાડવાના મામલે એક શખ્સ સામે ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

ખેડા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો ઉઠવા પામી છે. ખેડાના વાસણા બુઝર્ગમાં વેચાણ લીધેલ પોણા બે વિઘા જમીન પચાવી પાડવાના ઈરાદે એક શખ્સે જમીન પર કબ્જો જમાવતાં જમીનના માલિકે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ખેડા તાલુકાના વાસણા બુઝર્ગ ગામે રહેતા ગીરીશભાઇ ઈશ્વરભાઈ પરમારે ગત વર્ષે વડોદરાના સુભાનપુરામાં રહેતા સતીષભાઈ પટેલ પાસેથી જમીન લીધી હતી. ગીરીશભાઈએ વણઝારીયા ગામની સીમમાં આવેલ સર્વે બ્લોક નં. 891 વાળી પોણા બે વિઘા જમીન 5 લાખમાં વેચાણ અર્થે સતીષભાઈ પાસેથી લીધી હતી. જે બાબતેનો દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો અને લીગલી રીતે જમીનના માલિક ગીરીશભાઇ બન્યા હતા.

આ ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રહલાદ જેસિંગભાઈ બારૈયા ઉપરોક્ત ગીરીશભાઈની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દીધો હતો. ગીરીશભાઈ આ અંગે કબજો જમાવનારને કહેતા કે આ જમીન અમે વેચાણ લીધી છે. પરંતુ તે ગીરીશભાઇને જમીન પર પેસવા દેતો નહી. આમ ઉપરોક્ત જમીન પચાવી પાડવાના કારસો રચાતાં ગીરીશભાઇ પરમારે કલેકટરમાં અરજી દાખલ કરી હતી. કલેકટર અને અધિક કલેકટરે પુરાવા તપાસ્યા બાદ જમીન પચાવી પાડવાના કારસ્તાન આચરનાર સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. આથી આજે ગીરીશભાઇ પરમારે ખેડા ટાઉન પોલીસમાં ઉપરોક્ત પ્રહલાદ બારૈયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગની એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...