અકસ્માત:મહુધાના વડથલ રેલવે ફાટક પાસે લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર, બન્ને ચાલકોનો આબાદ બચાવ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લકઝરી બસના ચાલકનો બસના પડખામાં પગ ફસાતા ઈજા
  • મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

માર્ગ અકસ્માતોના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ખેડા જિલ્લાના મહુધાના વડથલ પાસે આજે વહેલી સવારે લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. લકઝરી બસ ફાટકની રેલીંગમાં ઘૂસી જતાં બસના ચાલકનો બસના પડખામાં પગ ફસાઇ ગયો હતો. અકસ્માતની તસવીરો જોતાં જ આ અકસ્માતમાં કોઈ બચ્યું ન હોય તેવુ લાગે તેટલો ભયંકર આ અકસ્માતમાં બન્ને ચાલકોના આબાદ બચાવ થઈ ગયો છે. મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અકસ્માતમાં બન્ને વાહન ચાલકોનો આબાદ બચાવ થઈ ગયો

મહુધા તાલુકાના વડથલ ફાટક પાસે આજે વહેલી સવારે લકઝરી બસ (નં. GJ 1 xx 9979) અને અલ્ટો કાર ( GJ 02 DA 7471) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ લકઝરી બસ ફાટકની રેલીંગો સાથે ભટકાઈ તેમાં ઘૂસી ગઈ હતી. જ્યારે કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. બન્ને વાહનોને મોટુ નુકશાન થયું છે. જ્યારે આ અકસ્માતમાં બન્ને વાહન ચાલકોનો આબાદ બચાવ થઈ ગયો છે.

આ અકસ્માત ત્રિપલ અકસ્માત થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું

લકઝરી બસના આગળના ભાગમાં બસ ચાલકનો પગ ફસાઈ જતાં 108ની ટીમે મહામથામણે આ ચાલકનો પગ બહાર કાઢી તેને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ મહુધા પોલીસને કરવામાં આવતાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત લકઝરી બસ મધ્યપ્રદેશથી રાજકોટ તરફ જતી હતી. આ બસમાં મજૂરી કરતાં લોકો સવાર હતા. પરંતુ તે કોઈને પણ ઈજા થઈ નહોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે. વધુમાં આ અકસ્માત ત્રિપલ અકસ્માત થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

ઓલ્ટો કાર ટકરાતાં પાછળની લકઝરી ફાટકની રેલીંગમાં ઘૂસી

જેમાં અહીંયા ફાટક પાસે વહેલી સવારે પસાર થઈ રહેલી એક લકઝરી ચાલકને બમ્પ આવતા તેણે પોતાનું વાહન ધીમું પાડ્યું હતું. આ સમયે આ લકઝરી બસ પાછળ ઉપરોક્ત ઓલ્ટો કાર હતી. જેથી તેની સ્પીડ ઘટતા તેની પાછળ આવતી અન્ય એક લકઝરી બસે ઓલ્ટો કારને ટક્કર મારી હતી. આમ બે લકઝરી બસ વચ્ચે ઓલ્ટો કાર ટકરાતાં પાછળની લકઝરી ફાટકની રેલીંગમાં ઘૂસી જવા પામી હતી. જ્યારે કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં આગળ રહેલી લકઝરી બસને કોઈ નુકસાન ન થતાં તે રવાના થઈ ગઈ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...