તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધાનો અભાવ:નડિયાદના બજારોમાં જાહેર જગ્યાઓ પર આવેલા પેશાબખાના બંધ રહેતા પરેશાની

નડિયાદ7 દિવસ પહેલા
  • મોટાભાગના પેશાબખાનાઓ અસહ્ય ગંદકીથી ખદબદે છે

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના બજારોમાં પેશાબખાના બંધ રહેવા પામ્યા છે. છેલ્લાં કેટલાય સમયથી જાહેર જગ્યાએ આવેલા મોટાભાગના પેશાબખાનાઓ બંધ રહેતા બજારના વેપારીઓની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા વહેલી તકે જાહેર જગ્યાઓ પર આવેલા પેશાબખાના ચાલુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

નડિયાદના મેઈન બજારમાં પણ કોઈ પેશાબખાનું દેખાતું જ નથી

નડિયાદ જિલ્લાનું વડુમથક છે. તેથી પુરા જિલ્લામાંથી હજારો લોકો નાના મોટા કામ અર્થે કે પછી ખરીદી અર્થે અહીંયા આવતાં જતાં હોય છે. શહેરના અનેક વિસ્તારોમાં આવેલા મોટાભાગના પેશાબખાનાઓ બંધ રહેવા પામ્યા છે. જેના કારણે વેપારીઓ સહિત બહારગામથી આવતા જતાં લોકોની કફોડી હાલત બની છે. શહેરના ખેતા તળાવથી છેક કોલેજ સુધી વાણીયાવાડથી છેક પીપલગ ચોકડી સુધી, તેમજ નડિયાદના મેઈન બજારમાં પણ કોઈ પેશાબખાનું દેખાતું જ નથી.

પેશાબખાનાઓ એકાએક બંધ કરી દેવાતાં સ્થાનિકોમાં રોષ

બધા વહેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જ્યાં શહેરના સંતરામ ટાવર સામે, ફેડરેશન નજીક, નડિયાદ ટાઉન હોલ પાસે, ડભાણ ભાગોળ, અમદાવાદી દરવાજા બહાર, ચકલાસી ભાગોળ વિગેરે વિસ્તારોમાં આવેલા નગરપાલિકા સંચાલિત પેશાબખાનાઓ એકાએક બંધ કરી દેવાતાં સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં વેપાર ધંધા કરતાં લોકોને લઘુશંકા અર્થે દુર દુર સુધી જવુ પડી રહ્યું છે. તો વળી અમુક પેશાબખાના તો સાફસફાઈના અભાવે ગંદકીથી ખદબદી અસહ્ય દુર્ગંધ ફેલાવી રહ્યા છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં બંધ રહેતા પેશાબખાનાઓ પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...