સફાઈ બાબતે પાલિકા સજાગ:નડિયાદ શહેરને ક્લિન અને ગ્રીન બનાવવા સફાઈ પદ્ધતિમાં ફેરફાર

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિનજરૂરી કોન્ટ્રાક્ટ રદ્દ કરી ટ્રેક્ટરો ભાડે રાખી કચરો એકત્રિત કરવાનો નિર્ણય

શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકાના સેનેટરી વિભાગે વિશેષ ઝુંબેશ ઉપાડી છે. શહેરને ક્લિન અને ગ્રીન બનાવવા માટે સફાઈ વિભાગની આંતરીક પદ્ઘતિઓમાં ફેરફાર કરાયા છે. છેલ્લા ઘણા વર્ષોથી વોર્ડ મુજબ કોન્ટ્રાક્ટ ફાળવી કર્મીઓ લેવાતા હતા. આ કોન્ટ્રાક્ટમાં પાલિકાને માસિક 7 લાખથી વધુનો બોઝ પડતો હતો અને નાણાં ખર્ચ્યા પછી પણ કામગીરીમાં કચાસ જણાતી હતી.

ચીફ સેનેટરી ઈન્સપેક્ટરે આ કોન્ટ્રાક્ટની જરૂર ન હોવાથી હવે પછી રીન્યુ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે માસિક 7 લાખથી વધુની બચત સેનેટરીના બજેટમાં થશે. તેની સામે શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ હોવાથી ચીફ ઓફીસર પાસે 10 ટ્રેક્ટર ભાડે માંગવામાં આવ્યા છે. જે પૈકી 7 ટ્રેક્ટર મળી ગયા છે. જેને સફાઈના 7 ઝોનમાં વહેંચી દેવાયા છે. આ ટ્રેક્ટરોને શહેરના તમામ જાહેર માર્ગો પરના સરકારી એકમો, દુકાનો, કોમ્પલેક્ષો અને રહેણાંક મકાનોનો કચરો ટ્રેક્ટરમાં જ નાખવામાં આ‌વશે. જેના કારણે શહેરના માર્ગો પર જે ગંદકીના ઢગ વાગતા હતા, તે હવે બંધ થઈ જાય તેવી શક્યતાઓ છે.

વળી, છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની ભરતી કરાઈ નથી. ત્યારે શહેરની સફાઈ આખો દિવસ ચાલે તે માટે પાર્ટ ટાઈમના 73 કર્મચારીઓને ફુલ ટાઈમ કરવા માટે ચીફ સેનેટરી ઈન્સપેક્ટરે ચીફ ઓફીસરને રજૂઆત કરી છે. અત્યાર સુધી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા દિવસમાં બે તબક્કા ફાળવ્યા હતા. હવે બે તબક્કાને બદલે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી સળંગ કચરો ઉઘરાવાનો નિર્ણય કર્યો છે. જેથી સવારના સમયે લોકો ઘરે હોય અને તમામ જગ્યાએથી કચરો ઉઘરાવી લેવાશે.

જેસીબી, ડમ્પર અને લોડરનો ઉપયોગ ઘટશે
નગરપાલિકા દ્વારા ઝોન દીઠ 1 ટ્રેક્ટર ફાળવી તેમાં કચરો ઉઘરાવવાનું શરૂ કર્યુ છે. જેના કારણે ગંદકીના ઢગ હવે ઓછા થશે અને જ્યાં ઢગ થશે, ત્યાં ટ્રેક્ટરમાં કચરો ભરી લેવાશે. અત્યાર સુધી જે.સી.બી., ડમ્પર અને લોડરનો ઉપયોગ કરી આ કચરાના ઢગ હટાવાતા હતા, જેના કારણે ખાડા પડી જતા હતા. હવે ટ્રેક્ટર ફાળવી દેતા જે.સી.બી., ડમ્પર અને લોડરનો ઉપયોગ ઘટશે.

કચરો લેવા વાહનો ન આવે તો રજૂઆત કરો
નડિયાદને ક્લિન અને ગ્રીન બનાવવા માટે તમામના સહયોગની અપેક્ષા છે. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અનેક નિર્ણયો કર્યા છે. હવે વેપારીઓ, એન. જી. ઓ સહિત નડિયાદના 4 લાખ નાગરીકોને વિંનતી છે કે, કચરો ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા સાધનોમાં જ નાખે. જે વિસ્તારોમાં ડોર ટુ ડોર કલેક્શનના વાહનો ન પહોંચતા હોય, તે સેનેટરી વિભાગમાં રજૂઆત કરે, અમારાથી બનતા પ્રયત્ન કરી શહેરને સ્વચ્છ કરીશુ. > મયંકભાઈ દેસાઈ, ચીફ સેનેટરી ઈન્સપેક્ટર

અન્ય સમાચારો પણ છે...