હાલાકી:નડિયાદથી ચાંગાની રાત્રી બસનો રૂટ કેટલાય સમયથી બંધ હોવાથી મુસાફરો પરેશાન, રોજીંદા નોકરિયાત વર્ગ ન છુટકે ખાનગી વાહનમાં કટકે કટકે મુસાફરી કરવા મજબૂર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળથી બંધ રહેલી આ રૂટની બસને પુન:શરૂ કરવા માંગ ઉઠી
  • આ બાબતે તંત્રને અને ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરાઇ છે​​​​​​​

કોરોના કાળમાં રાજ્યમાં દોડતી બસ સેવા પર બ્રેક વાગી હતી. જોકે, હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને પહેલાની માફક ધંધા રોજગાર ધમધમી રહ્યા છે. આ વચ્ચે એસ.ટી ડિવિઝનની કેટલાક કેન્સલ થયેલા રૂટો હજુ પણ એમના એમ છે. ત્યારે નડિયાદથી ચાંગાની રાત્રી બસ કોરોના કાળથી બંધ છે જે સેવાને પુનઃ શરૂ કરવા માંગ ઉઠી છે.

નડિયાદ એસ.ટી. ડેપોમાં દોડતી કેટલીક ટ્રીપ હાલ પણ બંધ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. કોરોના મહામારીના સમય પહેલા નડિયાદથી ચાંગા તરફ સાંજના સમયે કેટલીય બસો દોડતી હતી. પરંતુ કોરોના કાળમાં એસ.ટી.તંત્ર એ ચાંગા તરફ દોડતી એસ.ટી.બસોના રૂટ પર કાપ મૂકી દીધો હતો. હાલ કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે તેમ છતા પણ છેલ્લા ઘણાં માસથી નડિયાદ એસ.ટી ડેપોએ ચાંગા તરફની રાત્રી બસ સેવા શરૂ કરી નથી. બસ સેવાને પુનઃ ચાલુ કરાવવા તંત્રને અને ઉચ્ચ કક્ષાએ ઘણી રજૂઆત કરાઇ હતી. પરંતુ એસટી અધિકારીઓ દ્વારા હજુ સુધી આ રૂટની બસ શરૂ કરવામાં આવી નથી.

એસ.ટી તંત્ર આ રાત્રી બસ સેવા શરૂ નહી કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીપળાતા, મિત્રાલ, કરોલી તેમજ ચાંગાના અપ ડાઉન કરતા મુસાફરો અને તેમાં ખાસ નોકરિયાત વર્ગને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરીથી મોડી સાંજે છુટતાં નોકરિયાત વર્ગને ન છુટકે ખાનગી વાહનમાં કટકે કટકે મુસાફરી કરવા મજબૂર થવું પડ્યું છે.

નડિયાદ એસ.ટી.ડેપો દ્વારા વર્ષોથી સાંજે નડિયાદ-સોજીત્રા વાયા ચાંગા, કાસોર, નડિયાદ-ચાંગા મગરોલ તેમજ નડિયાદ-ચાંગા વાયા મિત્રાલ ,કરોલીની રાત્રે બસ દોડતી હતી. આ રૂટ પર પહેલાની જેમ જ બસ સેવા શરૂ કરવા માંગ ઉઠી છે. અવાર નવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે. રાત્રિના સમયમાં બસ સેવા ઉપલબ્ધ નહી રહેતાં ગ્રામ્ય વિસ્તારના ધંધા રોજગાર માટે અપડાઉંન કરતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે. નડિયાદ એસ.ટી. વિભાગ વહેલી તકે નડિયાદથી રાત્રિના આઠ વાગ્યાની મિત્રાલ ,કલોલી ચાંગા રૂટ પરની બસો શરૂ કરે તેવી માંગણી પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...