નડિયાદ નગરપાલિકામાં મુખ્ય ઈજનેરના ઈન્ચાર્જ ચંદ્રેશભાઈ ગાંધીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. ચીફ ઓફીસરને આપેલા રાજીનામામાં ડ્રેનેજ યોજનાનો સ્વતંત્ર હવાલાની સાથે મુખ્ય ઈજનેરનો ચાર્જ બંને કામ સાથે થઈ ન શકતા હોવાનું જણાવ્યુ છે. ઉપરાંત કામોના ભારણને કારણે હાઈબ્લડ પ્રેશરનો પ્રશ્ન ઉભો થતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે, સપ્તાહ પહેલા જ સત્તાધારી કાઉન્સિલર સાથે જીભાજોડી થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ 1998માં ચંદ્રેશભાઈ એમ. ગાંધીની નગરપાલિકામાં ભરતી થઈ હતી. 23 વર્ષથી પાલિકામાં ફરજ બજાવી રહેલા ચંદ્રેશભાઈને હાલ ડ્રેનેજ યોજનાનો સ્વતંત્ર હવાલો અને સાથે મ્યુનિસિપલ ઈજનેર તરીકેનો ચાર્જ અપાયો હતો. આ બંને કામ તેઓ એક સાથે ન કરી શકતા હોવાની રજૂઆતો તેમણે અનેકવાર કરી છે. રાજીનામામાં તેમણે જણાવ્યુ છે કે, આ બાબતના કારણે યોગ્ય એન્જીનીયરીંગ મેનરની કામગીરી થઈ શકતી નથી અને સતત કામોના ભારણને કારણે હાઈબ્લડ પ્રેશરના પ્રશ્નો રહે છે.
જેથી 5 જાન્યુઆરી, 2022થી 4 એપ્રિલ, 2020 સુધી ત્રણ મહિનાનો નોટીસ પીરીયડ ગણી સ્વૈચ્છિક નિવૃતિ આપવા માંગ કરી છે. સપ્તાહ પહેલા જ વોર્ડ નંબર 11ના વિજયપાર્ક સોસાયટીમાં નગરપાલિકાના એક કર્મી દ્વારા મંજૂરી વગર રોડ તોડી નાખવામાં આવ્યો હતો અને મંજૂરી વગર જ ડ્રેનેજનું કનેક્શન આપી દીધુ હતુ.
આ મામલે સ્થાનિક કાઉન્સિલર અને ચંદ્રેશભાઈ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી દબાણવશ ઈન્ચાર્જ મુખ્ય ઈજનેરે હોદ્દા પરથી રાજીનામુ આપ્યાનું નગરપાલિકાના પટ્ટાંગણમાં ચર્ચાઈ રહ્યુ છે. નડિયાદ નગર પાલિકા અવાર નવાર વિવિધ કામોને લઈને ચર્ચાનો વિષય બની જતી હોય છે.તેના કારણે વિકાસની વાતો માત્ર ચોપડા ઉપર જ છે.
તો પછી ચાર્જ પાછો કેમ ન લેવાયો?
ચંદ્રેશભાઈ ગાંધીને ડ્રેનેજ યોજનાના સ્વતંત્ર હવાલાની સાથે મુખ્ય ઈજનેરનો ચાર્જ અપાયો હતો. રાજીનામામાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, બંને હોદ્દાને એક સાથે ન્યાય ન આપી શકતા હોવાની રજૂઆતો તેમણે અગાઉ કરી હતી. તો પછી તેમની પાસેથી ચાર્જ પાછો કેમ ન લેવાયો? તે પ્રશ્ન ઉભો થયો છે.
મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી છે
રાજીનામુ આપનારા ચંદ્રેશ ગાંધી 23 વર્ષથી નગરપાલિકાના કર્મી છે. તેમણે નગરપાલિકાના અતિ મહત્વકાંક્ષી એવા ફિલ્ટરેશન પ્લાન્ટની જવાબદારી અત્યાર સુધી સંભાળી છે. આ ઉપરાંત ડ્રેનેજ અને વોટર વર્ક્સ (યાંત્રિક વિભાગ), ડ્રેનેજ નેટવર્ક જેવા વિભાગોમાં પણ મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી છે. તેમજ 5 માર્ચ, 2021થી પાલિકાના મુખ્ય ઈજનેરનો ચાર્જ તેમની પાસે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.