તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલચનો શિકાર:નડિયાદના ચલાલી વગડામાં સસ્તા ભાવે ડોલર મેળવવાની લાલચમાં અમદાવાદના વ્યક્તિએ રૂ. એક લાખ 61 હજાર ગુમાવ્યા

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠગાઇ કરનારા છ ગઠીયાઓ સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
  • ગઠીયાઓ અંદરો અંદર મારામારી કરી મૃત્યુ થયાનું નાટક કરી નાણાં પડાવી અમદાવાદના વ્યક્તિને તગેડી મુક્યો
  • અગાઉ પણ આ રીતે ગઠીયાઓ ઠગાઈ આચરી હોવાની ફરિયાદો પણ સ્થાનિક પોલીસે નોંધાઈ

કોરોનાના કપરા કાળમાં સમગ્ર રાજ્યમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ખેડા જિલ્લાના ચકલાસી તાબેના ચલાલી વગડામાં સસ્તા ભાવે ડોલર આપવાની લાલચમાં અમદાવાદના વ્યક્તિ સાથે ઠગાઈ આચરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ વ્યક્તિ પાસેથી રોકડ રૂપિયા એક લાખ 61 હજાર મેળવી તેને તગેડી મુકતા આ અંગે છ ગઠીયાઓ સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

અમદાવાદમાં રહેતા અને ફર્નિચરનો વ્યવસાય કરતાં અબ્દુલ અજીજ અંસારીના મોબાઇલ પર ત્રણ એક માસ અગાઉ ફર્નિચર બાબતના કામનો એક મેસેજ આવેલ હતો. જે મેસેજ વાંચ્યા બાદ અબ્દુલે સામેથી ફોન કરતાં નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના ચલાલી વગડા ખાતે રહેતા મહેશ ઉર્ફે મનીષ ઉર્ફે મનો જયંતિ તળપદાના સંપર્કમાં આવ્યા હતા. જે સમયે મહેશે જણાવ્યું હતું કે અમારે અહીંયા ફર્નિચરનું કામ કરાવવાનું છે તેથી અબ્દુલ અને તેના કાકાનો દિકરો મહંમદનવાજ બન્ને લોકો કાર લઈને ચકલાસીના ચલાલી વગડામાં ખાતે આવ્યા હતા. જ્યાં મહેશના ઘરની બાજુમાં આવેલા એક બંગલામાં બેઠક કરી હતી.

આ બેઠકમાં મહેશે પ્રભાત નારણ તળપદા, રાજુ અને નિકેશ (તમામ રહે. ચલાલી વગડા)નો પરિચય આપ્યો હતો. જે બાદ બંગલો બતાવી ફર્નિચર બાબતે વાતચીત કરી હતી. આ સમયે મહેશે જણાવ્યું હતું કે, તમને રૂપિયાના બદલામાં સસ્તા ભાવે ડોલર આપવાની વાત કરતાં અબ્દુલ અને મહમંદનવાજે કામ કરવાની ના પાડી ત્યાંથી નીકળી ગયા હતા.

થોડા દિવસો સુધી ફર્નિચરના કામ બાબતે અવારનવાર મહેશ અબ્દુલને ફોન કરતો હતો. આ વચ્ચે મહંમદનવાજ અને તેમનો દોસ્તાર રફીક અહેમદ બન્ને પ્રસંગો પાત નડિયાદ આવવાનું થયું હતું. તેથી ફરીથી અહીંયા આવી બેઠક કરતાં ઉપરોક્ત મહેશે જણાવ્યું કે હાલ ડોલરના ભાવ ઊંચા છે જે લાલચમાં મહમંદનવાજ આવી જતાં તેઓએ પોતાના કાકાના દિકરા અબ્દુલને કામ કરવા રાજી કરી દીધો હતો.

બન્ને લોકો સસ્તા ભાવે ડોલર આપવાની લાલચમાં આવી જતાં ગઠીયાઓએ યેનકેન પ્રકારે મોટી રકમ લાવવાનું જણાવતા ગત 26 મેના રોજ બપોરના સુમારે મહંમદનવાજ અને તેમનો મિત્ર રફીકઅહેમદ બન્ને અમદાવાદથી રોકડ રૂપિયા એક લાખ 61 હજાર લઈને ચલાલી વગડા ખાતે આવ્યા હતા. જ્યાં બેઠક બાદ મહેશે જણાવ્યું હતું કે અમારે કામ શરૂ કરતાં પહેલાં અહીંયા આવેલા એક મંદિરમાં પગે લાગવા જવુ પડશે તેમ કહી નજીક આવેલ એક મંદિરે લઈ ગયા હતા.

આ સમયે મહેશે એક મંદિરના થાળમાં ઉપરોક્ત બન્નેને પોતાની સાથે લાવેલા નાણાં મુકવા જણાવ્યું હતું. જેથી મહંમદનવાજે પોતાની સાથેના રૂપિયા એક લાખ 67 હજાર આ થાડમાં મુક્યા હતા. થોડી જ મીનીટોમાં અહીંયા એક વ્યક્તિ આવી તમે મને પૂછ્યા વગર મંદિરમાં કેમ પ્રવેશ કર્યો તેમ કહી ઝઘડો કર્યો હતો. જે બાદ ઉપરોક્ત મહેશ, વિજય ઉર્ફે ઘનશ્યામ તળપદા, કિરણ તળપદા, પ્રભાત તળપદા, રાજુ અને નીકેશ અંદરો અંદર મારામારી કરવા લાગ્યા હતા. વિજયે ત્યાં હાજર એક વ્યક્તિને ચપ્પુ મારી મૃત્યુ નીપજ્યું હોવાનું નાટક કરતાં અમદાવાદથી આવેલા મહંમદનવાજ અને તેમનો દોસ્તાર ગભરાઈ ગયા હતા. જ્યાં હાજર મહેશે તમે અહીંયાથી ચાલ્યા જાવ તેમ કહી તગેડી મુક્યા હતા.

બીજા દિવસે મહંમદનવાજે ફોન કરી આપેલા રૂપિયાની માંગણી કરતા વાયદો કરી ધાકધમકીઓ આપતા મહંમદનવાજને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. જેથી મહંમદનવાજે આજે ચકલાસી પોલીસ મથકે આ અંગે દોડી ઉપરોક્ત ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ રીતે બીજા અનેક લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે મહંમદનવાજ અન્સારીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...