ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતિ:સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલમાં ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતિ થઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભુને પામવામાં અડચણરૂપ લાગે તેનો ત્યાગ કરવો: નિત્યસ્વરૂપ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલખાતે શનિવારે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાના વક્તા અને ચૈત્રી સમૈયાના યજમાન નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સૌ શ્રોતાજનોને દક્ષિણામાં પ્રભુને પામવા જતાં જે અડચણ રૂપ લાગે તેનો ત્યાગ કરવા જણાવ્યું હતું. જે ભક્તોને જે કોઈ વ્યસન હોય તો વ્યસનનો ત્યાગ કરવા, નિત્ય ઘરે પૂજા પાઠ કરવા, નિત્યમંદિરે દેવદર્શન કરવા જવું તેમજ સંતોના સંગમાં રહેવાની શીખ આપી હતી.

વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, 10મી એપ્રિલથી 16 એપ્રિલ દરમ્યાન વડતાલધામ ખાતે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમૈયા અંતર્ગત વડતાલ ગોમતી કિનારે રૂ. 150 કરોડથી વધુના ખર્ચે નૂતન દિવ્ય-ભવ્ય અક્ષરભુવનનું ખાતમૂર્હુત આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતો તેમજ 108 હરિભક્તોના શુભ હસ્તે શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો.

શનિવારે હનુમાનજયંતિના શુભદિને ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતિ યોજાઈ હતી. જેમાં સૌરભપ્રસાદજી મહારાજ(લાલજી મહારાજે) આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે વડતાલધામમાં કાર્તિકી અને ચૈત્રી સમૈયા બાંધ્યા છે. જેમાં પોતાના આશ્રિતોને વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. વડતાલધામમાં શ્રીહરિએ શિક્ષાપત્રી લેખન કર્યું છે; મહારાજે બે દેશની સ્થાપના કરી છે.

શ્રીહરિએ સૌ ભક્તજનોને દરમાસની પૂર્ણિમાએ વડતાલમાં બિરાજતા લક્ષ્મીનારાયણદેવ તથા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશે તેની આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થશે તેઓના સૌકામ મનોરથો પૂર્ણ કરશે તેવા આશીષ આપ્યા હતા. સૌ ભક્તજનોને હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવોમાં નિષ્ઠા રાખવાની શીખ આપી હતી.

આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ આર્શીવચન પાઠવતા જણાવેલ કે, આ ચૈત્રી સમૈયો અદ્વિતીય અને અલૌકિક છે. વડતાલમાં બિરાજતા દેવોને હરિભક્ત જે સંકલ્પ કરે તેના સર્વ સંકલ્પો ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ પૂર્ણ કરે છે. ચૈત્રી સમૈયામાં શ્રીમદ્ સત્સંગિજીવનના વક્તા અને યજમાન નિત્યસ્વરૂપ સ્વામી હતા. જે આપણા માટે ગૌરવની વાત છે. આપણે ભગવાનમાં પ્રગટ ભાવ રાખીએ.

આ પ્રસંગે સંપ્રદાયના નવયુવાન સંતો, તથા યજમાન પરિવારના સભ્યો તથા હરિભક્તોએ પૂર્ણાહુતિની આરતી ઉતારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી, રધુનંદન સ્વામીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...