સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ઉઠી છે. ખેડા જિલ્લામાં કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ધાર્મિક ઉત્સવો પર પણ મંદિર પ્રશાસને સ્વૈચ્છિક રીતે આગળ આવી પાબંધી મૂકી છે. સ્વામિનારાયણ તીર્થધામ વડતાલમાં આગામી પોષી પૂનમે યોજાનારા શાકોત્સવની ઉજવણી કોરોનાના વધતાં જતાં સંક્રમણને કારણે મુલત્વી રાખવાનો નિર્ણય કરાયો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોષી પૂનમનું ઘણું મહત્વ છે. આગામી 17મી જાન્યુઆરી સોમવારે આવતી પોષી પૂનમે ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલમાં યોજાનારા દિવ્ય શાકોત્સવની ઉજવણીનું આયોજન મુલત્વી રખાયું છે. ત્રીજી લહેરને લઈ સમગ્ર જિલ્લામાં દૈનિક વધતાં જતાં કેસો તથા સંક્રમણને કારણે મંદિર પ્રશાસને તકેદારીના ભાગ રૂપે પગલા લીધા છે. વડતાલ મંદિરના સહાયક કોઠારી પૂ. શ્યામવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં સંક્રમણ પરિસ્થિતિમાં જો સુધારો રહેશે તો આવતી મહા મહિનાની પૂનમે 16 ફેબ્રુઆરીના રોજ શાકોત્સવ યોજાવાની સંભાવનાઓ છે.
મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે 17મી જાન્યુઆરીને સોમવારે પોષી પૂનમ હોવાથી વડતાલ મંદિરમાં દેવદર્શને આવનારા ભાવિકોને કોરોનાની વર્તમાન સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાનું ફરજિયાત રહેશે. દરેક હરિભક્તોએ વર્તમાન કોરોનાની પરિસ્થિતિ અનુસાર સરકારી માર્ગદર્શિકા મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. પૂનમના કાર્યક્રમો પણ નિયંત્રિત રહેશે અને નિજમંદિરમાં દેવદર્શન વેળાએ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.