વડતાલમાં શરદોત્સવની ઉજવણી:મંદિરમાં ઠાકોરજીની પાલખીયાત્રા કાઢવામાં આવી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી

નડિયાદએક મહિનો પહેલા
  • આચાર્ય રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
  • મંગળવારે રાત્રે શરદપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

સ્વામિનારાયણ મંદિર વડતાલમાં શરદપૂર્ણિમાની મંગળવારે ઉજવણી કરાઈ હતી પૂર્વસંધ્યાએ યોજાયેલા આ કાર્યક્રમમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ખાસ હાજર રહ્યા હતા. તેમના આશીર્વાદ સાથે વડતાલ મંદિરમાં શરદપૂનમની પૂર્વસંધ્યાએ ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ મંદિરમાં વાજતેગાજતે ઠાકોરજીની પાલખીયાત્રા યોજવામાં આવી હતી. હરિમંડપના પાછળના ભાગે ઊભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા.

શરદપૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ
અશ્વિન માસની પૂર્ણિમા એટલે શરદપૂર્ણિમા, રાસપૂર્ણિમા અથવા કોજાગરીપૂર્ણિમા કે વાલ્મીકિપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાએ ખીલે છે. ચંદ્રની ચાંદનીમાંથી અમૃત વરસે છે. ચંદ્રમાની રાત્રે ચંદ્રનાં કિરણો પૃથ્વી પર રેલાય છે ત્યારે શીતળતાનો અદભુત અનુભવ થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને આ દિને રાધાજી અને ગોપીઓ સાથે મહારાસ રચ્ચો હતો. આ રાસ એટલે આત્મા અને પરમાત્માનું મિલન. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં મંગળવારે રાત્રિના શરદોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં કથાનું આયોજન કરી બાદમાં રાસોત્સવમાં સંતો-હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. એ બાદ પ્રસાદ રૂપી દૂધપૌંઆ આરોગી સૌભક્તો છૂટા પડ્યા હતા.

મંદિરમાં વાજતેગાજતે ઠાકોરજીની પાલખીયાત્રા યોજાઈ
શરદપૂર્ણિમાના દિવસે મંદિરમાં વાજતેગાજતે ઠાકોરજીની પાલખીયાત્રા નીકળી હતી. હરિમંડપના પાછળના ભાગે ઊભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ માંડવડીમાં બિરાજમાન ઠાકોરજીનું મહારાજ તથા સંતોને હસ્તે પૂજન થયું હતું. બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, ચૈતન્યાનંદજી, ભાર્વિક ભટ્ટે ઠાકોરજીની આરતી ઉતારી હતી. જ્યારે પૂજનવિધિ પુરોહિત ધીરેનભાઇ ભટ્ટે કરી હતી. આ પ્રસંગે ચેરમેન દેવસ્વામી, ડો.સંત સ્વામી, બ્રહ્મસ્વરૂપસ્વામી, ગોવિંદસ્વામી, પુરાણી વિષ્ણુસ્વામી સહિતના સંતો પૂજાવિધિમાં જોડાયા હતા.

શરદોત્સવ અંતર્ગત શાસ્ત્રી વિવેકસાગરસ્વામીએ (કલાકુંજ) શરદોત્સવના મહિમાનું કથા દ્વારા રસપાન કરાવ્યું હતું. કથા બાદ પૂજ્ય મહારાજ તથા વડીલ સંતોનું પૂજન થયું હતું. પૂજ્ય આચાર્ય મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. ચેરમેન દેવસ્વામી, ડો. સંતસ્વામી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામસ્વામીએ કર્યું હતું.

દૂધ-પૌંઆના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું
મંદિરના ચોગાનમાં ગુણાતીત યુવક મંડળ કલાકુંજ, સુરત દ્વારા મધુર સંગીતને સથવારે શરદોત્સવ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સાધુ, સંતો, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વસ્ત્રોધારી યુવાનોએ રાસનું ખાસ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે સત્સંગી બહેનોએ પણ અલગ ચોકામાં રાસની રમઝટ બોલાવી હતી. રાસના અંતે વહીવટી સહયોગી મુનિવલ્લભ સ્વામીએ તૈયાર કરાવેલો દૂધ-પૌંઆનો પ્રસાદ ઉપસ્‍થિત ભાવિકોને વહેંચવામાં આવ્યો હતો. આ ઉજવણી ટાંણે નટુભાઇ ચોવટિયા, કાંતિભાઇ રાખોલિયા, મહેન્દ્રભાઇ પટેલ, પંકજભાઇ પટેલ વગેરેનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ગાયક કલાકાર જૈમિશ ભગત તથા ગુણાતીત યુવક ગ્રુપના કલાકારોનું પણ સંતોએ સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...