• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • A Truck Carrying Dowry From Delhi To Deliver Plastic Bags To Delhi Was Found In An Unoccupied Condition Near Nadiad, The Contents Were Stolen

ડ્રાઇવર સામે ફરિયાદ:દહેજથી દિલ્હી પ્લાસ્ટીકના દાણા ડીલીવરી કરવા નીકળેલી ટ્રક નડિયાદ પાસે બિનવારસી હાલતમાં મળી, અંદરનો માલસામાન ચોરાઇ ગયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટરે વચેટીયા અને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી
  • નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ટ્રાન્સપોર્ટરને વચેટીયા દ્વારા માલસામાન પહોંચાડવાનું ભારે પડ્યું છે. ભરૂચ જિલ્લાના દહેજ એક કંપનીમાંથી પ્લાસ્ટીકના દાણાનો જથ્થો ભરી દિલ્હી ખાતે ડીલીવરી કરવા જતી ટ્રક અધ વચ્ચે જ બિનવારસી હાલતમાં મળતાં ચકચાર જાગી છે. નડિયાદ પાસે જ બિનવારસી હાલતમાં ટ્રક મળી આવી, પરંતુ અંદર રહેલો માલસામાનનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહોતો. તો બીજી બાજુ વચેટીયાએ અન્ય જગ્યાએથી પણ આવુ કારસ્તાન કરતાં સુરત પલસાણા પોલીસના હાથે પકડાઈ જતાં સંપૂર્ણ મામલો બહાર આવ્યો છે. આથી આ અંગે ટ્રાન્સપોર્ટ ઓફીસના મેનેજરે ઉપરોક્ત વચેટીયો અને ટ્રક ચાલક સામે નડિયાદ પશ્ચિમમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના નારોલ ખાતે રહેતા સનતકુમાર તિલેશ્વરનાથ શુક્લા અસલાલી ખાતે આવેલ રીટોક લોજીસ્ટીક લી. ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ આ કંપની વતીથી માલસામાનની હેરાફેરી માટે ઓર્ડર લેવાનું તથા માલસામાનને યોગ્ય જગ્યાએ યોગ્ય વાહન દ્વારા પહોંચાડવાનું કામ કરે છે. સમગ્ર દેશના ખૂણે ખૂણે માલસામાનની હેરાફેરી કરાઈ છે. વધારે ઓર્ડર હોવાને કારણે કોક વખત માલસામાન ભરવાની જગ્યા નજીકથી જ અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીની પસંદગી કરવામાં આવે છે. વચેટીયાઓ દ્વારા વાહનોની સગવડ કરી માલસામાન પહોંચાડવાની કામગીરી કરે છે.

ગત 11 ઓક્ટોબરના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ ઉપરોક્ત ટ્રાન્સપોર્ટ ઓફીસની દહેજ શાખાના મેનેજર કે. કે. ઝા એ સનતકુમારને ફોન કરીને જણાવ્યું હતું કે અહીંયાની ટ્રાન્સપોર્ટ ઓફીસને ONGC પેટ્રો એડીશનલ લી. (ઓપાલ)થી પ્લાસ્ટીકના દાણા ભરી દિલ્હી પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો. જેથી અહીંયા આવેલ બાબા વિશ્વનાથ રોડ કેરિયર ન્યુશાંતીનગરના પરિચિતની ટ્રક માલિક સંદીપગીરી ધીરજગીરી ગોસ્વામીને માલસામાન હેરાફેરી માટે સંપર્ક કરાયો હતો. તે માટે જરૂરી ભાવ તાલ પણ નક્કી કરાયા હતા.

ગત 6 ઓક્ટોબરે સંદિપે પોતાની ટ્રક (નં. GJ 19 U 4639) સાથે ટ્રક ચાલક નિઝામુદ્દીન કમરુદ્દીન શેખને મોકલેલો હતો. આ ટ્રકમાં ઓપાલ કંપનીમાંથી 1 હજાર પ્લાસ્ટીકના દાણાની બેગો જેની કિંમત રૂપિયા 33 લાખ 93 હજાર 653 ગણી શકાય તે લોડ કરી ટ્રક ચાલક દિલ્હી જવા રવાના થયો હતો.

બપોરના સુમારે આ ટ્રક ચાલક દહેજથી દિલ્હી જવા રવાના થયો હતો. પરંતુ તે ઉપરોક્ત જગ્યાએ પહોંચ્યો નહોતો. દરમિયાન જીપીએસ સિસ્ટમ દ્વારા તપાસ કરતાં ઉપરોક્ત ટ્રક ચાલક વાસદથી રાજકોટ તરફ ચોટીલા નજીક લઈ જઈ જે બાદ ત્યાંથી ટ્રકને નડિયાદ પાસેના નેશનલ હાઈવે નં. 48 પર મૂકી દીધેલી હોવાનું જાણવા મળ્યું હતું.

તો બીજી બાજુ માલસામાન દિલ્હી નહી પહોંચતાં ટ્રક માલીક સંદીપનો અવારનવાર ઉપરોક્ત શાખા દ્વારા ફોન કરતાં તેણે શરૂઆતમાં તો કહ્યું કે પહોંચી જશે પણ ત્યાર બાદ તેણે પણ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. તો આ બાજુ જીપીએસ દ્વારા ટ્રેસ કરેલ ટ્રકનું લોકેશન સતત નડિયાદ રહેતા અમદાવાદના ટ્રાન્સપોર્ટ મેનેજર સનતકુમારે તુરંત સ્થળ પર આવી જોતાં નડિયાદના નેશનલ હાઈવે નં. 48 પર આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક બિનવારસી ઊભી હતી. આ ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાં ભરેલો માલસામાન નહોતો.

આ વાતની જાણ સનતકુમારે શાખાના મેનેજરને કરી હતી. જે બાદ તપાસ કરતાં વચેટીયો સંદીપગીરી ગોસ્વામીની સુરતના પલસાણા પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેણે અગાઉ અન્ય જગ્યાએથી ટ્રકમાં લોડ કરેલ સામાન વેચી દીધો હોવાને કારણે પોલીસે તેની અટકાયત કરાઈ હોવાનો ચોંકાવી દેનાર ઘટસ્ફોટ થયો હતો. આથી આ અંગે સનતકુમાર શુક્લાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ઉપરોક્ત વચેટીયો સંદીપગીરી ગોસ્વામી (રહે. સામરોડ, સુરત) અને ટ્રક ચાલક નિઝામુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 407 અને 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...